કારણદર્શક નોટિસનો જવાબ પાલિકાને અમાન્ય
મુંબઈ, તા. 21 : અમરાવતીનાં સાંસદ નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાની સમસ્યામાં વધારો થયો છે, કારણ કે રાણા દંપતીને ખાર ખાતેના ઘરના ગેરકાયદે બાંધકામ માટે ફટકારવામાં આવેલી કારણદર્શક નોટિસનો આપેલો જવાબ પાલિકાએ અમાન્ય રાખ્યો છે. તેથી સાતથી પંદર દિવસમાં આ બાંધકામ હટાવો અથવા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, એમ પાલિકાએ જણાવ્યું છે.
નવનીત રાણા અને રવિ રાણાનું મુંબઈના ખાર ખાતે ઘર છે અને જે ઇમારતમાં આ ઘર છે તેની ઘણી ફરિયાદો પાલિકા પાસે આવી છે.
ઇમારતમાં ગેરકાયદે બાંધકામ કરીને પાલિકાના નિયમોનો ભંગ કરાયો છે. આ અંગેની ફરિયાદને આધારે અનેક ફ્લૅટધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને પાલિકાના અધિકારીઓએ તેની તપાસ કરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પાલિકાના અધિકારીઓએ તપાસ કર્યા બાદ રાણા દંપતીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી, તેનો જવાબ રાણા દંપતી તરફથી આપવામાં આવ્યો હતો, પરંતુ તે જવાબ સમાધાનકારક ન હોવાનું પાલિકાનું કહેવું છે.
રાણા દંપતીના ઘર પર હથોડો?
