લદાખ-ડોકલામમાં યુક્રેન જેવી હાલત : રાહુલ ગાંધી

લદાખ-ડોકલામમાં યુક્રેન જેવી હાલત : રાહુલ ગાંધી
લંડન, તા. 21 : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઇડિયાઝ ફોર ઇન્ડિયા સેમિનારમાં ભાગ લેતા ભાજપ અને મોદી સરકારની આકરા શબ્દોમાં નિંદા કરી હતી.
શુક્રવારે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાહુલ ગાંધીએ કહ્યં કે કોંગ્રેસ પહેલા જેવું ભારત મેળવવા ઈચ્છે છે, તે માટે લડાઈ લડી રહી છે જ્યારે ભાજપ દ્વારા તેમનો અવાજ દબાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. તેમણે ચીન અંગે કેન્દ્ર સરકારને ઘેરી કહ્યં કે લદ્દાખમાં ચીની સેના ઘૂસી આવી છે. લદાખ અને ડોકલામમાં યુક્રેન જેવી હાલત છે છતાં સરકાર પગલાં લઈ રહી નથી અને ચીન વિરુદ્ધ બોલતા ડરી રહી છે. 
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ લોકોનો અવાજ દબાવી દે છે જ્યારે કોંગ્રેસ લોકોનો અવાજ સાંભળવાનું કામ કરે છે. ઇકોનોમિક ક્રાઇસીસ અંગે સરકાર ગંભીર નથી. ભારત એ સંસ્થાનો પર હુમલા જોઈ રહ્યં છે જેણે દેશનું નિર્માણ કર્યું છે. જેના પર હવે ડીપ સ્ટેટનો કબજો છે. હવે દરેક સંસ્થાન પર સરકારનો કબજો છે. ભાજપ સરકારમાં દેશમાં રોજગારી ઘટી છે. તેમ છતાં ધ્રુવીકરણને કારણે ભાજપ સત્તામાં છે. ભારતમાં હાલ માહોલ સારો નથી. ચારેબાજુ ભાજપે ધ્રુવીકરણનું કેરોસીન છાંટી રાખ્યું છે. એક તણખલાથી દેશમાં કોમી આગ ભભૂકી શકે છે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષની લડાઈ પહેલા તેને રોકવાની છે.
રાહુલ ગાંધીએ કહ્યં કે, હવે આ એક વૈચારિક લડાઈ છે. એક રાષ્ટ્રીય વૈચારિક લડાઈ. ભાજપ અને સંઘ તો ભારતને એક ભૂગોળની જેમ જુએ છે, પરંતુ કોંગ્રેસ માટે ભારત લોકોથી બને છે. જો કે રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે કોંગ્રેસ આંતરિક કકળાટ, બળવો, દળ-બદલ અને ચૂંટણીઓમાં પરાજયનો સામનો કરી રહી છે. માનવાધિકારોના ભંગની ઘટનાઓનો મુદ્દો અમેરિકાએ ઉઠાવ્યા અંગે તેમણે કહ્યં કે અમારે એ કહેવાની જરૂર નથી કે ભારતમાં ધ્રુવીકરણ છે. અમે પોલરાઇઝેશનથી લડી રહ્યા છીએ. કોંગ્રેસ સહિત વિપક્ષ આ લડાઈ લડી રહ્યો છે. લંડનના આ કાર્યક્રમમાં સીતારામ યેચૂરી, સલમાન ખુરશીદ, તેજસ્વી યાદવ, મહુઆ મોઈત્રા, મનોજ ઝા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
ભારતને બદનામ કરવા પ્રયાસ : ભાજપ
રાહુલ ગાંધીએ લંડનમાં આપેલાં નિવેદનને ભાજપે ભારતને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યંy કે ભ્રષ્ટાચારી કોંગ્રેસના ઈરાદાઓને જનતાએ કેરોસીન છાંટીને ખતમ કરી નાખ્યા છે. રાહુલ ગાંધી વિદેશ જઈ ભારતને બદનામ કરી રહ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer