બેમિસાલ બુમરાહે દિલ્હીના બૅટ્સમૅનોને કર્યા ગુમરાહ

બેમિસાલ બુમરાહે દિલ્હીના બૅટ્સમૅનોને કર્યા ગુમરાહ
પંત-પૉવેલ વચ્ચે 75 રનની ભાગીદારી છતાં દિલ્હીએ કર્યા 159 રન, જસપ્રિતની ત્રણ વિકેટોએ બાજી પલટી
આશિષ ભીન્ડે તરફથી 
મુંબઈ, તા. 21 : સીઝનની છેલ્લી પણ હોમ ટીમ તરીકે વાનખેડે સ્ટેડિયમમાં પહેલીવાર રમી રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમના બૉલરોએ પોતાના ગઢમાં સિંહની જેમ બાલિંગ કરી દિલ્હી કૅપિટલ્સને સ્ટાર્ટ લેવા જ નહોતી દીધી. સમયાંતરે પડતી રહેલી વિકેટોએ મસ્ટ વિન મૅચમાં ધીમી પીચ દિલ્હીના બૅટ્સમેનોમાં રૉવમેન પૉવેલ સિવાય કોઈ બૅટ્સમેન પ્રભાવશાળી નહોતો લાગ્યો. સુકાની રિષભ પંત અને પૉવેલ વચ્ચેની 75 રનની ભાગીદારીના પ્રતાપે દિલ્હી 159નો સ્કૉર ખડો કરી શક્યું હતું. જોકે બેમિસાલ બુમરાહે અદ્ભૂત બાલિંગ કરી દિલ્હીના ત્રણ બૅટ્સમેનોને આઉટ કર્યા હતા. આજની મૅચમાં મુંબઈના વિજય મુંબઈ કરતાં બેંગ્લોર માટે વધુ મહત્વનો હતો. કેમ કે, દિલ્હીની હારનો અર્થ બેંગ્લોર માટે ટોચની ચાર ટીમમાં સ્થાન પાકું કરે એમ હતું.  
આજની મૅચની શરૂઆત પહેલા મુંબઈમાં વરસાદના છાંટા પડ્યા હતા. આવામાં, ટૉસ જીતી મુંબઈના સુકાની રોહિત શર્માએ પ્રથમ બાલિંગ કરવાનો નિર્ણય લીધો. ધીમી પડી રહેલી પીચો સાથે હવે ટીમો નવો બૉલ ઍક્પ્રેસ ફાસ્ટ બૉલર્સને આપવાને બદલે ધીમી ગતિના ગોલંદાજોને આપી રહ્યા છે, મુંબઈએ પણ ડેનિયલ સૅમ્સ સાથે શરૂઆત કર્યા બાદ બીજી અૉવર રિતિક શોકિનને આપી હતી. ત્રીજી અૉવરમાં સૅમ્સના બૉલને કટ કરવાના પ્રયાસમાં ડેવિડ વૉર્નર શૉર્ટ થર્ડ મેન પર બુમરાહને કૅચ આપી બેઠો હતો. પાંચ રન કરી વૉર્નર મહત્વની મૅચમાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ચોથી અૉવરમાં બુમરાહે ટેસ્ટ મૅચમાં છાજે એવી બાલિંગ કરી બીજા જ દડે મિચૅલ માર્શને આઉટ સ્વિગર નાખી પહેલી સ્લિપમાં રોહિત શર્માના હાથમાં ઝીલાવી દીધો હતો. દમદાર પૅસ અને એટલી જ સચોટતા સાથે બાલિંગ કરી રહેલા બુમરાહે પાવરપ્લૅની છેલ્લી અૉવરમાં અદ્ભૂત બાઉન્સર નાખી પૃથ્વીના શોનો અંત આણ્યો હતો. પૃથ્વીએ 23 બૉલમાં 24 રન કર્યા હતા. રણજી ટ્રૉફીમાં મુંબઈ માટે રમતા પૃથ્વીની વિકેટ પડ્યા બાદ તેનો સાથી મુંબઈ બૅટ્સમેન સરફરાઝ ખાન ક્રીઝ પર આવ્યો હતો અને બુમરાહને બીજા જ દડે છગ્ગો ફટકાર્યો હતો. સાવ લય વિનાના રિષભ પંત સાથે તેણે 19 રનની ભાગીદારી કરી અને મયંક માર્કંડેની બાલિંગમાં બહારના બૉલ પર આળસુ શૉટ મારવા જતાં વિકેટકીપર ઇશાન કિશનના હાથમાં ઝીલાઈ ગયો હતો, તેણે 10 રન કર્યા હતા. ધીમી પીચ પર મુંબઈની સ્પીન જોડી માર્કંડે અને શોકિને દિલ્હીના બે મારફાડ બૅટ્સમેનોને નિયંત્રણમાં રાખ્યા હતા. જો કે, બંનેની છેલ્લી અૉવર ખર્ચાળ રહી હતી, દાવની 12મી અને શોકિનના સ્પૅલની છેલ્લી અૉવરમાં 20 રન આવ્યા હતા, જે દાવની સૌથી ખર્ચાળ અૉવર હતી, રૉવમેન પૉવેલે બે છગ્ગા અને એક ચોગ્ગાથી શોકિનને શૉક આપ્યો હતો, તો માર્કંડેની છેલ્લી અૉવરમાં 12 રન આવ્યા હતા, જે એ તબક્કે ઇનિંગ્સની બીજા ક્રમની મોંઘી અૉવર હતી. રિલે મેરેડિએથની બે અૉવર બાકી હોવો છતાં દાવની પંદરમી અૉવર રમણદીપ સિંહને આપવામાં આવી હતી. ત્રણ વાઈડ સહિત તેણે અૉવરમાં 19 રન આપ્યા હતા. જોકે, છેલ્લા દડે તેને રિષભ પંતની વિકેટ ભેટમાં મળી હતી. પંતની બેટની ધાર અડી ન હોત તો એ બૉલ પણ અમ્પાયરે વાઈડ આપ્યો હોત. પંત વધુ એકવાર અડધી સદી સુધી પહોંચી શક્યો નહોતો અને 33 બૉલમાં 39 રન કરી આઉટ થયો હતો. એક પણ અડધી સદી વિના પંતે આ સિઝનમાં 300થી વધુ રન કર્યા છે. એ પછી બુમરાહે દાવની 19મી અૉવરમાં રૉવમેન પૉવેલને બૉલ્ડ કરી દિલ્હીની નાવમાં વધુ એક ગાબડું પાડ્યું હતું. પૉવેલે ચાર છગ્ગા અને એક ચોગ્ગા સાથે 34 બૉલમાં 43 રન કર્યા હતા. વીસમી અૉવર રમણદીપ સિંહને આપવામાં આવી અને 13 રન આપી તેણે શાર્દુલની વિકેટ લીધી હતી. મુંબઈ વતી ત્રણ વિકેટ સાથે બુમરાહ સૌથી સફળ રહ્યો હતો. તો બે વિકેટ લેવા છતાં રમણદીપ સૌથી ખર્ચાળ સાબિત થયો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer