અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રના પ્રધાન અને રાષ્ટ્રવાદી પક્ષના નેતા નવાબ મલિક સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ નોંધાવેલી ચાર્જશીટની શુક્રવારે સ્પેશિયલ કોર્ટે દખલ લીધી હતી અને કહ્યું હતું કે, કુર્લામાં ગોવાવાલા કંપાઉન્ડની જમીન અન્યો સાથે મળીને હડપ કરવા હવાલા પ્રકરણ અને ક્રિમિનલ ફોજદારીમાં સંપૂર્ણ જ્ઞાત સાથે સહભાગી થયા હોવાના પ્રથમદર્શીય પુરાવા છે. કોર્ટે તેમને 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી સરદાર શાહવલી ખાનને નોટિસ ફટકારી હતી. નવાબ મલિકવાળા હવાલા કેસમાં સરદાર શાહવલી ખાન પણ એક આરોપી છે.
સ્પેશિયલ જજ રાહુલ આર. રોકડેએ કહ્યું હતું કે, આરોપી નવાબ મલિકે ડી કંપનીના સાગરિતો હસીના પારકર (દાઉદની બહેન), સલીમ પટેલ અને સરદાર ખાન સાથે મળીને મુનિરા પ્લમબર નામની મહિલાની કુર્લાની મોકાની જમીન હડપ કરવાનું ફોજદારી કાવતરું ઘડ્યું હતું. એટલે આ હડપ કરવામાં આવેલી જમીનનો સોદો હવાલા પ્રતિબંધક ધારા હેઠળ ગુનો બને છે. આરોપીએ સંપૂર્ણ જ્ઞાત સાથે કે પ્રત્યક્ષ રીતે હાવાલા પ્રતિબંધક ધારાનો ભંગ કર્યો છે.
ઈડીએ એની ચાર્જશીટમાં કહ્યું છે કે નવાબ મલિકે એના સર્વેયર મારફતે ગોવાવાલા કમ્પાઉન્ડમાંના ગેરકાયદે ભાડુતોનો એક સર્વે કરાવેલો અને આ સર્વેયરને મદદ કરવાની જવાબદારી સરદાર શાહવલી ખાનને સોંપેલી. આના બદલામાં નવાબ મલિકે શાહવલી ખાનને ગોવાવાલા કમ્પાઉન્ડમાં ઇનામરૂપે 368 ચોરસ મિટરની જમીનનો ટુકડો પણ આપ્યો હતો. એ સિવાય નવાબ મલિકે આ પ્રોપર્ટીને હડપ કરવા હસીના પારકાર સાથે અસંખ્ય માટિંગો કરેલી અને એમા સરદાર શાહવલી ખાન પણ હાજર રહેતો. નવાબ મલિકે દાઉદની બહેન હસીના પારકરને પંચાવન લાખ, હસીનાના ડ્રાઈવર સલીમ પટેલને 15 લાખ અને સરદાર શાહવલી ખાનને પાંચ લાખની રકમ પણ આપી હતી.
સરકારે મલિકને સહાય કરવામાં કોઈ કચાશ રાખી નથી : ફડણવીસ
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, સ્પેશિયલ જજે નવાબ મલિક સામેની ચાર્જશીટ સ્વિકારી એ એક ગંભીર બાબત છે. આ પ્રકરણને ઓબીસી અનામત સાથે જોડતા તેમણે કહ્યું હતું કે, ઓબીસી વિશેનો જૂનો ડેટા કાઢવામાં સરકારને કોઈ ઉતાવળ નથી, પણ જેલમાં બંધ નવાબ મલિકને સહાય કરવામાં કોઈ કચાશ નથી રાખતી. આનાથી અડધી મહેનત ઓબીસી વિશેનો જૂનો ડેટા કાઢવામાં થઈ હોત તો તેમની અનામત ગઈ ન હોત.
ઉદ્ધવ ઠાકરેને પહેલાથી બધી જાણ હતી : સોમૈયા
ગૅંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગૅંગ સાથેની કડી અને મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા એનસીપીના નેતા અને પ્રધાન નવાબ મલિક સામે કોર્ટે કડક નિવેદન કર્યા બાદ ભાજપ દ્વારા આક્રમક ભૂમિકા અપનાવવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે અને તેમનો પુત્ર પોતે બીલ્ડર છે. બીલ્ડરોને આવી બાબતોની તરત જાણ થાય છે. તેથી તેમને આ કૌભાંડની પહેલાથી માહિતી હતી. એવો ગંભીર આક્ષેપ ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ કર્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં સોમૈયાએ જણાવ્યું હતું કે નવાબ મલિકને સમર્થન આપવા માટે મહાવિકાસ આઘાડીએ આંદોલન કર્યું હતું, પરંતુ નવાબ મલિકની દાઉદ ગૅંગ સાથે કડી હોવાનું હવે કોર્ટે જ કહ્યું છે તેથી ઉદ્ધવ અને એનસીપીના પ્રમુખ શરદ પવાર કોર્ટની વિરુદ્ધમાં રસ્તા પર ઉતરશે કે? એવો સવાલ તેમણે કર્યો હતો.
નવાબ મલિક દાઉદના પાર્ટનર છે અને ઉદ્ધવ ઠાકરે તેમના પક્ષ સાથે ભાગીદાર છે. તેથી તેમણે આ અંગે જવાબ આપવો જોઇએ, એમ સોમૈયાએ વધુમાં જણાવ્યું હતું.