મુંબઈમાં 24થી 27મી મે દરમિયાન પાણીકાપ

મુંબઈ, તા. 21 : મુંબઈમાં 24થી 27મી મે દરમિયાન ચાર કલાક માટે પાંચ ટકા પાણીકાપ મૂકાયો છે. આ સમયગાળા દરમિયાન પાંજરાપોળ સર્કલથી પાંજરાપોળ સુધી 100 કિલોવોટ વિદ્યુત ઉપકેન્દ્રના પરિક્ષણનું કામ હાથ ધરાવાનું છે. 24થી 27મી મે દરમિયાન સવારે 11 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા દરમિયાન આ કામ ચાલવાનું છે. આ જ સમયગાળામાં એ, બી, ઇ, એફ દક્ષિણ, એફ ઉત્તર, એલ, એમ પૂર્વ, એમ પશ્ચિમ, એન, એસ અને ટી વૉર્ડમાં પાંચ ટકાનો પાણીકાપ લાગુ કરાયો છે. પાલિકાએ આ વૉર્ડના નાગરિકોને પાણીનું જતન કરવા અને યોગ્ય ઉપયોગ કરવા તેમ જ પાણીનો બગાડ નહીં કરવાનું આવાહન કર્યું છે. 
ડોમ્બિવલી, કલ્યાણમાં મંગળવારે પાણીપુરવઠો બંધ
કલ્યાણ ડોમ્બિવલી પાલિકાના ઉલ્હાસ નદીના કિનારે આવેલા બારાવે, મોહિલી, નેતિવલી અને ટિટવાલા એમ ચાર જળશુધ્ધિકરણ કેન્દ્રોમાં આગામી મંગળવારે સમારકામ, જાળવણી, ટેકનિકલ, વિદ્યુત કામ હાથ ધરાવાનું છે. આ કામ માટે કલ્યાણ, ડોમ્બિવલી શહેરનો પાણીપુરવઠો મંગળવારે સવારે આઠથી રાતે આઠ વાગ્યા સુધી બંધ રહેશે, એમ પાણીપુરવઠા વિભાગના કાર્યકારી એન્જિનિયર પ્રમોદ મોરેએ જણાવ્યું હતું. ચોમાસા પૂર્વે આ કેન્દ્રોના સમારકામ જરૂરી છે. ચોમાસા બાદ અહીં સમારકામ કે જાળવણીનું કામ મુશ્કેલ બની જાય છે. મંગળવારે પાણીપુરવઠો બંધ રહેશે અને બીજા દિવસે ઓછા દબાણથી પાણીપુરવઠો થવાની પાલિકાએ શકયતા વ્યકત કરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer