અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્ર સરકારે તમામ દુકાનદારો માટે બોર્ડ મરાઠીમાં લખવાનું ફરજિયાત બનાવ્યું છે અને મુંબઈ પાલિકાએ દુકાનદારોને કાયદા પ્રમાણે મરાઠીમા પાટિયાં લગાડવા 31 મે સુધીની મહેતલ આપવામાં આવી હતી.
જોકે, ઇન્ડિયન હૉટેલ ઍન્ડ રેસ્ટોરાં એસોસિયેશન (આહાર)એ 31 મે સુધીની ટૂંકી મુદતનો વિરોધ કર્યો છે અને એ માટે કમસે કમ છ મહિનાની મુદત આપવાની પાલિકા સમક્ષ માગણી કરી છે.
અત્યાર સુધી જે દુકાનો અને આ સ્થાપનામાં 10થી ઓછા કામદારો હોય એમને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવેલા. જોકે, આ છટકબારીને પુરવા કૅબિનેટે તાજેતરમાં કાયદામાં સુધારો કરતો ખરડો મંજૂર કર્યો હતો અને આ ખરડો વિધાનમંડળના બજેટ અધિવેશનમાં બન્ને ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો.
આ નવા સુધારીત કાયદા પ્રમાણે દરેક દુકાનદારે મરાઠીમાં નામ ફલક લગાવવું જ પડશે. મરાઠી ભાષામાં નામ શરૂઆતમાં લખવાનું ફરજિયાત છે. એ સિવાય નામના અક્ષરોનું કદ પણ અન્ય ભાષાના નામ કરતા નાનું ન હોવું જોઈએ. સાથે સાથે દુકાનમાં જો મદ્ય વેચાતું હશે તો એ દુકાનોના નામમાં કોઈ મહાન હસ્તીનું કે કોઈ ગઢ-કિલ્લાનું નામ લખી નહીં શકાય, એવો નિયમ પણ આ સુધારિત કાયદામાં છે.