નવી દિલ્હી, તા. 21 : શિક્ષણના ક્ષેત્રની જાણીતી કંપની વેદાંતુએ વૈશ્વિક પરિસ્થિતિ અને મંદીની આશંકાનો હવાલો આપીને વધુ 424 કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કાર્સ 24 કંપની પણ 600 જણની છુટ્ટી કરી નાખી હતી.
વેદાંતુએ 1પ દિવસ પહેલા જ 200 કર્મચારીને હટાવ્યા હતા. કંપનીના સહ સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી વામસી કૃષ્ણાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નિર્ણય હૃદયભંગ કરનારો છે અને મને આશા છે કે ભવિષ્યમાં આવો નિર્ણય નહીં લઉં. અમારા પ900 કર્મચારીમાંથી 424 કર્મચારી હવે અમારાથી અલગ થઈ રહ્યા છે. પરિસ્થિતિ બહુ મુશ્કેલ છે. આઠ મહિના પહેલાં જ વેદાંતુ એક અબજ ડોલરના મૂલ્યની યુનિકોર્ન ક્લબમાં સામેલ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે કાર્સ 24 કંપનીએ હાલમાં જ 2600 કર્મચારીને નોકરીમાંથી બહાર કર્યા હતા. તો એપ્રિલ મહિનામાં અનએકેડેમીએ પણ લગભગ 600 કર્મચારીની હકાલપટ્ટી કરી હતી. કંપનીએ કર્મચારીઓના ખરાબ પ્રદર્શન અને કામના હિસાબે જરૂરિયાત નહીં હોવા સહિતના કારણો આપીને આ કર્મચારીઓને બહાર કર્યા હતા.