વીજ સંકટ ટાળવા યુદ્ધસ્તરે પગલાં

વીજ સંકટ ટાળવા યુદ્ધસ્તરે પગલાં
બંધ વીજ એકમો ફરી શરૂ કરાશે, ઠપ થયેલી 20 ખાણમાંથી કોલસો કાઢવા આદેશ
નવી દિલ્હી, તા.7: દેશમાં વીજ સંકટ ગંભીર બનતા કેન્દ્ર સરકારે કટોકટીની જોગવાઈ લાગુ કરી છે. દેશમાં અત્યારે વીજળી અને કોલસાને લગતી છેલ્લા એક દાયકામાં  સૌથી ગંભીર સ્થિતિ છે. કેન્દ્રએ એક્શન મોડમાં પગલાં લેતા બંધ વિદ્યુત એકમો ફરી શરૂ કરવા અને 20 જેટલી ઠપ ખાણોમાંથી કોલસો કાઢવા નિર્દેશ આપ્યો છે.
ઘરેલું ઉત્પાદન, કોલસાની આયાતથી માંડી તેને સમયસર વીજ પ્લાન્ટ સુધી પહોંચાડવા દરેક સ્તરે યુદ્ધનાં ધોરણે કામગીરી ચાલી રહી છે. વિદ્યુત મંત્રાલય અનુસાર, સરકાર આયાતી કોલસાથી વીજળી ઉત્પાદન કરતાં બંધ પડેલા એકમો ફરી શરૂ કરી રહી છે, ઉપરાંત કોલસાની બંધ ખાણોમાંથી ફરી કોલસો કાઢવામાં આવશે. દેશમાં હાલ વીજળીની માગ 4 દાયકાના સૌથી ઉંચા સ્તરે છે. આયાતી કોલસા પર આધારિત 43 ટકાથી વધુ વિદ્યુત ઉત્પાદન એકમો બંધ પડયા છે. જેથી આશરે 17.6 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. દેશમાં કોલસા આધારિત કુલ વીજ ઉત્પાદનમાં આ એકમોનું 8.6 ટકા યોગદાન છે. ઉપરાંત વીજ ઉત્પાદનની પડતર ગ્રાહકો પાસેથી વસૂલવા મામલે એક સમિતિ ઘડવામાં આવી છે.
બીજીતરફ વીજ ઉત્પાદક એકમો પાસે કોલસાનો સ્ટોક 9 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. આ સંકટ માટે અનેક કારણો જવાબદાર છે જેમાં વીજ વિતરણ કંપનીઓ ગ્રાહકો પાસેથી સમયસર વીજ બિલ વસૂલતી ન હોવાનું ઉપરાંત કોલસાની ખાણોમાંથી 33 ટકા ઓછું ઉત્પાદન સામેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત માર્ચ-એપ્રિલની તુલનાએ નોન કોકિંગ કોલની કિંમત 50 ડોલર પ્રતિ ટનથી વધી 288 ડોલર પ્રતિ ટન સુધી પહોંચી હતી જે હવે 140 ડોલર આસપાસ છે. આ પહેલા કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને કોલસાની આયાત મામલે તુરંત પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત ફાળવવામાં આવેલી ખાણોમાંથી કોલસાનું ઉત્પાદન વધારવા સૂચના અપાઈ હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer