બગ્ગા સામે હવે મોહાલી પોલીસનું ધરપકડ વૉરન્ટ

બગ્ગા સામે હવે મોહાલી પોલીસનું ધરપકડ વૉરન્ટ
ભાજપ નેતાને કોર્ટમાં હાજર કરવા ફરમાન : દિલ્હીમાં કેજરીવાલના નિવાસે પ્રદર્શન 
નવી દિલ્હી, તા. 7 : મોહાલી કોર્ટે ભાજપના નેતા બગ્ગા વિરુદ્ધ નવું ધરપકડ વોરન્ટ ઈસ્યૂ કરી પંજાબ પોલીસને તેને પકડીને કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. પંજાબ પોલીસે બગ્ગા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને ફરી એકવાર ગમે ત્યારે દિલ્હીમાં તેની ધરપકડ કરવા પહોંચી શકે છે. આ પહેલા જ્યારે પંજાબ પોલીસ તેને પકડવા આવી હતી ત્યારે દિલ્હી અને હરિયાણા પોલીસે વચ્ચે આવી બગ્ગાને પંજાબ લઈ જતાં રોક્યા હતા.
દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ ફરી એકવાર આમને સામને છે. દિલ્હી ભાજપના પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગાએ સિખ વિંગ કાર્યકરો સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાન ખાતે શનિવારે બપોર બાદ પ્રદર્શન યોજતાં સુરક્ષા દળોના ધાડા ખડકી દેવામાં આવ્યા હતા. બગ્ગા સાથે પ્રદર્શનમાં દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તા અને મજિંદર સિંહ સિરસા પણ સ્થળ પર પહોંચ્યા હતા. 
વ્યાપ્ત તણાવને ધ્યાને લઈ મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસ બહાર ભારે સુરક્ષા બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. પ્રદર્શનમાં 100થી વધુ કાર્યકરો જોડાયા હતા. બીજીતરફ બગ્ગાની ધરપકડ મામલે પંજાબ-હરિયાણા હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી ટળી હતી. કોર્ટ આ મામલે 10મીના સુનાવણી કરશે. આ પહેલા દિલ્હી અને હરિયાણા પોલીસે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તેમની કસ્ટડીમાં પંજાબ પોલીસનો કોઈ અધિકારી કે કર્મચારી નથી. પંજાબ સરકારે મામલામાં વધુ બે અરજી દાખલ કરી હતી.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer