અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7: ટિકિટના દરમાં ઘટાડો થવાની સાથે મધ્ય રેલવેની એસી લોકલમાં સવારે અને સાંજે પ્રવાસીઓની ભીડ વધવા લાગી છે. તેથી રવિવારે પણ એસી લોકલને દોડાવવાનો વિચાર મધ્ય રેલવે દ્વારા કરવામાં આવી રહ્યો છે. એસી લોકલની ટિકિટના દરમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય સામાન્ય લોકલના ફસ્ટ ક્લાસના દર પણ ઘટાડવામાં આવ્યા છે. સુધારિત દર પાંચમી મેથી અમલમાં મૂકાયા બાદ પશ્ચિમ અને મધ્ય રેલવેમાં એસી લોકલની 80 ફેરીમાંથી અમુક લોકલમાં પ્રવાસીઓની રીતસરની ભીડ જોવા મળી હતી. મધ્ય રેલવેમાં ગુરુવારે દિવસભરમાં 4,773 ટિકિટનું વેચાણ થયું હતું, જ્યારે ચોથી મેના 2,803 અને બીજી મેના 2,963 ટિકિટનું વેચાણ થયું હતું. પશ્ચિમ રેલવેમાં પણ પાંચમી મેના 4,350 અને બુઘવારે 3,060 ટિકિટનું વેચાણ થયું હતું. તેથી પરિસ્થિતિનો અંદાજ લઇને મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અમુક નિર્ણય લેવામાં આવશે. હાલમાં મધ્ય રેલવેમાં સીએસએમટીથી કલ્યાણ, અંબરનાથ, બદલાપુર, ટિટવાલા તથા હાર્બર પર સીએસએમટીથી પનવેલ, ગોરેગાંવ વચ્ચે રોજની 40 લોકલ ફેરી થાય છે. પશ્ચિમ રેલવેમાં ચાર એસી લોકલ છે અને તેમાંથી ત્રણ લોકલની વીસ ફેરી થતી હોય છે જ્યારે એક ટ્રેન સમારકામ માટે કારશેડમાં જતી હોય છે. અહીં સાતેય દિવસ એસી લોકલ દોડાવવામાં આવે છે. જાહેર રજાના દિવસે પણ એસી લોકલ પ્રવાસીઓની સેવા માટે ઉપલબ્ધ હોય છે.
મધ્ય રેલવેમાં પાંચ એસી લોકલ છે, જેમાંથી એક હાર્બર લાઇન પર જ્યારે ચાર મેઇન લાઇન પર દોડાવવામાં આવે છે. અહીં સોમવારથી શનિવાર સુધી એસી લોકલ દોડાવવામાં આવે છે, પરંતુ શનિવારે તેની ઓછી ફેરી હોય છે. રવિવારે અને જાહેર રજાના દિવસે એસી લોકલ બંધ હોય છે, પરંતુ પ્રવાસીઓની સંખ્યા વધતા જ રવિવારે અને જાહેર રજાના દિવસે પણ એસી લોકલ દોડાવવાની વિચારણા મધ્ય રેલવેમાં ચાલી રહી છે.
મધ્ય રેલવેમાં રવિવારે એસી લોકલ દોડશે?
