આવતા શનિવારની સભામાં કેટલાક લોકોના મુખવટા ઉતારીશ : ઉદ્ધવ

આવતા શનિવારની સભામાં કેટલાક લોકોના મુખવટા ઉતારીશ : ઉદ્ધવ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રમાં હાલ વિચારોનું પ્રદૂષણ વધ્યું છે. આવતી 14મી મેના દિવસે યોજાનારી સભામાં હું કેટલાક લોકોના માસ્ક ઉતારીશ. અનેક લોકો સરકારને કામ કરવા દેતા નથી. કામ કરીએ એટલે ભ્રષ્ટાચારનો ઊહાપોહ મચાવે છે. પોતે ગંગામાં નાહીને પવિત્ર થયા છે અને બાકીના ભ્રષ્ટાચારી હોવાની છાપ ઊભી કરાય છે એમ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમમાં સંબોધતાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષ માત્ર વિરોધ કરવા માટે નથી. રાજ્ય સરકારની ભૂલ હોય તો કાન પકડો, પરંતુ સારા કામની પ્રશંસા થવી જોઈએ, પણ વિપક્ષ દિલદાર નથી. ચૂંટણીના સમયગાળામાં ગપગોળા અને જુઠ્ઠાણાંની ભરમાર હોય છે, પણ લોકો આ પ્રકારના જુઠ્ઠાણાં સતત સહન કરી શકે નહીં. આવતી 14મી મેની સભામાં તમારી સાથે મનથી વાત કરીશ. ઉલટસુલટ બોલવાને બદલે મારા મનમાં છે તે વાત જ કરીશ. 
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈગરાને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા પાલિકાની યોજના અંગે વિરોધીઓ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. બધાને પાણી આપો એ બોલવા માટે સારું છે, પણ પાણીનો એટલો જથ્થો લાવશું કેવી રીતે પાણી લાવવું હોય તો જંગલ કાપીને તે લાવવાનું નહીં પરવડે. પર્યાવરણમાં થયેલા પરિવર્તનને કારણે ઉષ્ણતામાનમાં નોંધપાત્ર વધારો થયો છે. જનતાને ખુશ કરવા કેટલાક લોકો કામચલાઉ માર્ગ કાઢે છે, પરંતુ તેના લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરતા નથી. તેના પરિણામો આખરે લોકોને જ સહન કરવા પડે છે તે હું કદાપિ નહીં થવા દઉ, એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer