રાજસ્થાનની ધમાકેદાર જીત : પંજાબને અંતિમ ઓવરમાં હરાવ્યું

રાજસ્થાનની ધમાકેદાર જીત : પંજાબને અંતિમ ઓવરમાં હરાવ્યું
પંજાબે આપેલા 190ના ટાર્ગેટને જયસ્વાલ અને હેટમાયરની શાનદાર ઈનિંગથી પાર પાડયું : ચહલે લીધી ત્રણ વિકેટ
મુંબઈ, તા. 7 : આઈપીએલ 2022માં શનિવારે થયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું. 190 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે અંતિમ ઓવરમાં લક્ષ્ય મેળવ્યું હતું અને ટીમ માટે શિમરોન હેટમાયરે ફરી એક વખત ફિનિશરનો રોલ ભજવ્યો હતો. લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહેલા યશસ્વી જયસ્વાલે મેચમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપ્યો હતો. આ મેચમાં જીત સાથે જ રાજસ્થાનના 14 પોઈન્ટ થયા છે અને ટીમ હવે પ્લેઓફમાં પહોંચવાની નજીક છે. આ મેચમાં પંજાબે પહેલા બેટિંગ કરતા 189 રનનો સ્કોર કર્યો હતો. 
રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલે 68 રનની ઈનિંગ રમી હતી. સીઝનની શરૂઆતમાં નિષ્ફળ રહ્યા બાદ યશસ્વી જયસ્વાલે ફરી એક વખત પોતાની બેટિંગથી લોકોનું દિલ જીતી લીધું હતું. શરૂઆતમાં ખરાબ ફોર્મના કારણે જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. યશસ્વી ઉપરાંત અંતિમ ઓવરોમાં શિમરોન હેટમાયરે 31 રનની તોફાની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ પહેલા જોશ બટલર પણ પોતાના રંગમાં જોવા મળ્યો હતો અને માત્ર 16 બોલમાં 30 રન કર્યા હતા. તાબડતોડ બેટિંગ કરતા બટલર આઉટ થયો હતો પણ સીઝનમાં પોતાના 600 રન પૂરા કરી લીધા હતા. 
પંજાબ કિંગ્સ માટે મેચની શરૂઆત ઘણી ખરાબ રહી હતી, કારણ કે ટીમનો ટોપ સ્કોરર શિખર ધવન ઝલ્દી આઉટ થયો હતો. જો કે જોની બેયરસ્ટોએ કમાલ કરી હતી અને શાનદાર અર્ધસદી કરી હતી. જોની બેયરસ્ટોએ સીઝનની પહેલી અર્ધસદી કરી હતી. બેયરસ્ટો ઉપરાંત ભાનુકા રાજપક્ષેએ 27 રન બનાવીને સાથ આપ્યો હતો. જો કે અંતમાં યુવા પ્લેયર જિતેન શર્માએ પોતાનો કમાલ બતાવ્યો હતો અને માત્ર 18 બોલમા 38 રન કર્યા હતા. જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. આ ઉપરાંત લિયામ લિવિંગ્સ્ટોને 14 બોલમા 22 રન કર્યા હતા. જેની મદદથી પંજાબ 20 ઓવરમાં 189 રન કરી શક્યું હતું. મેચમાં રાજસ્થાન તરફથી ચહલે ત્રણ વિકેટ લીધી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer