કોલકાતા સામે લખનઊની 75 રને શાનદાર જીત

કોલકાતા સામે લખનઊની 75 રને શાનદાર જીત
સુપર જાયન્ટ્સના 176 રન : નાઈટ રાઈડર્સ 14.3 અૉવરમાં 101માં અૉલઆઉટ
પૂણે, તા. 7 : કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આજે લખનઊ સુપર જાયન્ટ્સ ટીમે 75 રને શાનદાર જીત મેળવી હતી. લખનઊની ટીમે 20 ઓવરમાં સાત વિકેટે 176 રન કર્યા હતા, તેની સામે કોલકાતાની ટીમ 14.3 ઓવરમાં 101 રને અૉલ આઉટ થઈ જતા 75 રને મૅચ ગુમાવી હતી. લખનઊના આવેશ ખાન અને જેસન હોલ્ડરે  ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. કોલકાતા તરફથી માત્ર રસેલે 19 બૉલમાં 45 રન કર્યા, બાકીના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા.
આ પહેલા આઇપીએલ 2022મા શનિવારના બીજા મુકાબલામાં લખનઉ અને કોલકતાની ટીમ સામસામે ટકરાઈ હતી. જેમાં કોલકાતાએ ટોસ જીતીને લખનઉને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા કોલકાતાએ ડી કોકની અર્ધસદી અને દીપક હુડ્ડાના 41 રનની મદદથી નિયત 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 176 રન કર્યા હતા. 
પહેલા બેટિંગમાં આવેલી લખનઉની ટીમની શરૂઆત સારી રહી નહોતી અને કેપ્ટન કેએલ રાહુલ પહેલી જ ઓવરમાં ડાયમન્ડ ડક થયો હતો. રાહુલ એકપણ બોલનો સામનો કર્યા વિના રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જો કે બાદમાં દીપક હુડ્ડા અને ડી કોકે બાજી સંભાળી હતી. જેમાં ડી કોકે 29 બોલનો સામનો કરતા તાબડતોડ 50 રન કર્યા હતા, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે જ્યારે દીપક હુડ્ડા 41 રન કરીને આઉટ થયો હતો. હુડ્ડાએ 27 બોલમાં 41 રન કર્યા હતા. પોતાની ઇનિંગમાં હુડ્ડાએ ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત કૃણાલ પંડયાએ 25 રન કર્યા હતા જ્યારે સ્ટોઇનીસે અંતિમ ઓવરોમાં ઝડપી ઇનિંગ રમી હતી. સ્ટોઇનિસે 14 બોલમાં 1 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 28 રન કર્યા હતા. કોલકાતા તરફથી રસેલે બે વિકેટ લીધી હતી જ્યારે સાઉથી, શિવમ માવી અને નરીનને એક એક વિકેટ મળી હતી. આમ, લખનઉએ કોલકાતા સામે નિયત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 176 રન કર્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer