મેઘરાજાની સવારી દસ દિવસ વહેલી : વેધશાળા

વીસ મેની આસપાસ કેરળ પહોંચશે ચોમાસું
નવીદિલ્હી,તા.7: ભીષણ ગરમી અને લૂમાં દાઝતાં દેશનાં લોકોને હવામાન વિભાગે ટાઢક વાળે તેવા સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે આ વખતે નૈઋત્ય ચોમાસુ સમય કરતાં પહેલું બારણે ટકોરા મારશે. 
હવામાન આગાહી અનુસાર આ વખતે 20મી મે બાદ કોઈપણ સમયે કેરળનાં આંગણે ચોમાસુ આવી પહોંચી શકે છે. દેશમાં સામાન્ય રીતે 1 જૂનથી કેરળમાં ચોમાસુ મંડાય છે. જો કે નવા પૂર્વાનુમાનમાં હવામાન વિભાગ ચોમાસુ ગરમીમાંથી વહેલી રાહત આપે તેવી સંભાવના વ્યક્ત કરી છે. 
આ નવી આગાહી પુણે સ્થિત આઈઆઈટીએમમાં વિકસિત મલ્ટીમોડેલ એક્સટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમનો ઉપયોગ કરીને ઈઆરએફથી આપવામાં આવી છે. 
આઈઆઈટીએમનાં એક ટોચનાં નિષ્ણાંતે જણાવ્યા અનુસાર પમી મેથી 1 જૂનની ચાર સપ્તાહની વિસ્તારિત અવધિનાં પૂર્વાનુમાન અનુસાર કેરળમાં ચોમાસુ 20મી મે પછી કોઈપણ ઘડીએ આગમન કરી શકે છે. ગત ઈઆરએફ 28 એપ્રિલે જારી કરવામાં આવેલું અને તેમાં પણ 19થી 25 મેનાં ગાળામાં ચોમાસાનાં આગમનનાં એંધાણ મળ્યા હતાં.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer