બીજા કે ત્રીજા સંતાનજન્મને પ્રોત્સાહન આપવા દસ લાખ રૂા.ની સહાય આપશે

બારોઈ કવીઓ જૈન મહાજન રાહ ચીંધે છે 
કનૈયાલાલ જોશી તરફથી
મુંબઈ, તા. 7 : કચ્છી વીસા ઓશવાળ સમાજની ઘટતી જતી વસતીથી ચિંતીત નાનકડા બારોઈ ગામે વસતી વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા એક યોજના અમલમાં મૂકીને પહેલ કરી છે જે ખરેખર આવકાર્ય અને સમાજ માટે હિતલક્ષી છે.
બારોઈ કચ્છી વીસા ઓશવાળ મહાજને બારોઈ ગામના મૂળ રહેવાસીઓ માટે યોજના ઘડી છે તે પ્રમાણે બીજા અને ત્રીજા સંતાનના આગમનને પ્રોત્સાહન આપવા એક યોજના ઘડી છે જે પ્રમાણે બીજા કે ત્રીજા સંતાનના જન્મ નિમિત્તે કુલ રૂા. 10 લાખ આપવામાં આવશે. આ રકમ એકસાથે આપવાના બદલે જન્મ વખતે રૂા. એક લાખ અપાશે અને પછી 18 વર્ષ સુધી દર વર્ષે સંતાનના જન્મદિવસે 50 હજાર રૂા. આપવામાં આવનાર છે.
મહાજનના પ્રમુખ ડૉ. કલ્યાણજીભાઈ કેનિયાએ આ બાબતે જણાવ્યું કે અમારા ગામની બાબતમાં ઘણા વખતથી વિચાર ચાલતો હતો. ઍજ્યુકેશન સહાય લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જતી હતી. 8થી 10 વર્ષ પહેલાં શૈક્ષણિક સહાય લેનારા 40-45 વિદ્યાર્થી રહેતા જે ઘટીને 30ની સંખ્યા થઈ છે.
ડૉ. કેનિયાએ જણાવ્યું કે, શિક્ષણના ખર્ચનો બોજ વધી ગયો છે એટલે આજના મોર્ડન માતા-પિતા એક સંતાનથી સંતોષ માને છે અથવા સંતાન ઈચ્છતા જ નથી એટલે અમે એ નિર્ણય પર આવ્યા કે પરિવાર પર શિક્ષણ ખર્ચનો ભાર હળવો થાય એ રીતનું વિચારવું જોઈએ, એટલે સંતાન 18 વર્ષનું થાય ત્યાં સુધી સહાય મળતી રહે તો મા-બાપને રાહત થાય.
જૈન સમાજની વસતી ઘટતી જાય છે. કચ્છના 52-42 ગામોમાં બારોઈ એક છે. તેની વસતી પણ ઓછી થઈ ગઈ છે. પહેલાં 22-23ની વયે લગ્ન થતા. આજના યુવાનને લગ્ન મોડા કરવા છે, એ પછી પ્લાનિંગ મુજબ એક સંતાનની માનસિક તૈયારી રાખે છે. 
ઘણાં દંપતી તો પોતાની કારકિર્દી, સ્વતંત્રતા અને મોર્ડન લાઈફ સ્ટાઈલમાં બાંધછોડ કરવા તૈયાર ન હોવાથી એવો નિર્ણય લે છે કે સંતાન જોઈતા જ નથી. જો આવી પરિસ્થિતિ રહી તો લાંબા ગાળે વસતી ઘટીને અડધી થઈ જવાની છે.
બારોઈ ગામે પહેલ કરીને રાહ ચીંધ્યો છે જેમ ગામ મહાજને અમલીકરણ કર્યું છે. તેમ સમાજની મોટી સંસ્થાઓ કે મહાજનો પણ જાગૃતિ બતાવે તો સમાજહિતના આ કાર્યને વેગ મળશે.
ઘટતી વસતી સમાજના ભવિષ્ય માટે ચિંતા જગાવે છે. કચ્છમાં અને મુંબઈમાં સમાજની અનેક સંસ્થાઓ, મિલકતો, દેરાસરો વગેરે છે. માણસ ઘટી જશે તો આ બધું સંભાળશે કોણ?

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer