અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : છેલ્લા ત્રણ દિવસથી ફરાર એવા મનસેના નેતા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરીને શોધવા માટે મુંબઈ પોલીસ તરફથી વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે. મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ લાઉડ સ્પીકર વિવાદ ઊભો કયા ઍ બાદ મનસેના કાર્યકરો આક્રમક બન્યા હતા જેમાં સંદીપ દેશપાંડેનો પણ સમાવેશ હતો. ચોથી મેના સંદીપ દેશપાંડે રાજ ઠાકરેના નિવાસસ્થાન બહાર મીડિયાને સંબોધી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને તાબામાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તરત જ ગાડીમાં બેસીને ત્યાંથી જતા રહ્યા હતા. આ દરમિયાન દેશપાંડેની ગાડીની ટક્કર લાગવાથી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પડી જવાને કારણે તે ઘાયલ થઇ હતી. દેશપાંડે અને ધુરી હાલમાં ફરાર છે અને સોમવારે આગોતરા જામીનની અરજી કરે એવી શક્યતા છે.