સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાં 27 ટકા ટિકિટ ઓબીસીને અપાશે : ભાજપ

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં થનારી મહાપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં ભાજપ અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના 27 ટકા ઉમેદવારોને ટિકિટ આપશે, એમ ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે અહીં પક્ષના ઓબીસી મોરચાની બેઠક બાદ જાહેર કર્યું હતું. રાજ્ય સરકારે ઓબીસી સમાજને રાજકીય અનામત નકારી તેની બિનકાર્યક્ષમતા છતી કરી હોવાનું ફડણવીસે ઉમેર્યું હતું.
દરમિયાન રાજ્યની શિવસેના-એનસીપી-કૉંગ્રેસની મહાવિકાસ આઘાડી સરકારના કારણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસી (અન્ય પછાત વર્ગો)ને અનામત ગુમાવવી પડી હોવાથી તે પાછું મળે ત્યાં સુધી રાજ્ય સરકાર વિરુદ્ધ સંઘર્ષ ચાલુ રાખવાની અને તે સાથે શિક્ષણ અને રોજગારના પ્રશ્નો માટે પણ ઓબીસી મોરચાએ લડત આપવાની હાકલ ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે આજે અહીં કરી હતી.
પક્ષના ઓબીસી મોરચાની બેઠક બાદ પાટીલે ઉક્ત હાકલ કરી હતી. આ બેઠકનું ઉદ્ઘાટન વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ઓબીસી રાજકીય અનામત માટે પરીક્ષણ કરવા જણાવ્યું હતું, તેને બે વર્ષનો સમય નીકળી ગયો, પરંતુ તેનો કોઈ અમલ થયો નથી. તેથી હવે થનારી 22 મહાપાલિકા, આશરે 300 નગરપાલિકાઓ, 25 જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિની ચૂંટણીઓ ઓબીસી અનામત વગર થશે. રાજકીય અનામતમાં ઓબીસી સમાજના કાર્યકર્તાઓને નેતૃત્વ અને સમાજસેવા કરવાની તક મળે છે. તેથી રાજ્યની મિશ્ર સરકારને તે સહન થતું નથી, એમ પાટીલે જણાવ્યું હતું.
ઓબીસી રાજકીય અનામત ફરી પ્રાપ્ત થાય ત્યાં સુધી ભાજપ સંઘર્ષ કરતો રહેશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer