તેલના ભાવમાં આવ્યો ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7 : ઈન્ડોનેશિયા વધુ લાંબો સમય પામ તેલની નિકાસ પર બંધી મૂકી શકે એમ નથી એવી અપેક્ષાને પગલે આ અઠવાડિયે પામ તેલ અને સોયાબીન તેલના ભાવમાં વિદેશી બજારોમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં પણ તેલીબિયાં, સોયાબીન તેલ, કપાસિયા તેલના ભાવ સારા એવા પ્રમાણમાં ઘટ્યા હતા. 
અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે આવક ઓછી થતાં સોયાબીન તેલીબિયાંના ભાવ પહેલાના સ્તરે આવી ગયા હતા. શિકાગો એક્સ્ચેન્જમાં અત્યારે 15 ટકા ભાવમાં કમી આવી છે જ્યારે મલેશિયા એક્સ્ચેન્જમાં પાંચ ટકા ભાવ ઘટ્યા છે. ભાવ ઘટવાનું બીજું કારણ એ છે કે કેન્દ્ર સરકાર તેની આયાત ડ્યૂટીમાં ઔર ઘટાડો કરશે એવી અફવા છે. વાસ્તવમાં સરકારે આયાત ડ્યૂટીમાં કમી કરવાને બદલે ભાવ કાબૂમાં ન આવે ત્યાં સુધી પાંચ ટકા જીએસટીને ખતમ કરી દેવાની જરૂર છે. 
કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહામંત્રી તરુણ જૈને કહ્યું હતું કે હમણાં દેશમાં વીજ સંકટ પ્રવર્તે છે અને તેથી લોડશાડિંગનો સહારો લેવાઈ રહ્યો છે. સરકારે તેલમિલોને આ લોડશાડિંગમાંથી બાકાત રાખવાની જરૂર છે. એમ થશે તો તેલ પિલાણનું કામ જોરમાં થઈ શકશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer