અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : અવયવોના દાતા અને ટ્રાન્સપ્લાન્ટ માટે તે અવયવો મેળવનાર વ્યક્તિ વચ્ચે થયેલા આર્થિક વ્યવહારમાં ક્ષતિ, ઓળખપત્ર અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણીની જવાબદારી હૉસ્પિટલ ઉપર મૂકતાં સર્ક્યુલરને પાછો ખેંચી લીધો હોવાનું મહારાષ્ટ્ર સરકારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવતાં રાજ્યની તમામ હૉસ્પિટલોના મૅનેજમેન્ટને મોટી રાહત થઈ છે. વડી અદાલતે આ સંદર્ભે કહ્યું કે રાજ્ય પ્રશાસન નવો સર્ક્યુલર બહાર પાડી શકે છે પરંતુ તે કાયદાને અનુરૂપ હોવો જોઈએ.
આ સર્ક્યુલરના કારણે કોઈ હૉસ્પિટલ જોખમ લેશે નહીં અને ટ્રાન્સપ્લાન્ટ સર્જરીથી દૂર થશે, તમે અનેક નાગરિકોને શસ્ત્રક્રિયાથી વંચિત શખસો, આ વિશે તમે ફેરવિચાર કરો.
સ્ટેટ ડિરેક્ટોરેટ અૉફ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (ડીએમઈઆર) દ્વારા આ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો.
ધ ઍસોસિયેશન અૉફ હૉસ્પિટલ પુણે દ્વારા આ નોટિફિકેશન (સર્ક્યુલર)ની કાયદાકીય પાત્રતાને પડકારવામાં આવી હતી.
ઍસોસિયેશન વતી ધારાશાત્રી એસ. આર. નારગોલકરે દલીલ કરી હતી કે ટ્રાન્સપ્લાન્ટેશન અૉફ હ્યુમન અૉર્ગન્સ ઍન્ડ ટીસ્યુસ ઍક્ટ 1994ની મૂળ જોગવાઈઓને નવા સર્ક્યુલર અથવા ધોરણો દ્વારા નિક્રિય બનાવી શકાય નહીં.
રાજ્યના એડવોકેટ જનરલ આશુતોષ કુમ્ભકોણીએ ગત 27મી એપ્રિલે કહ્યું હતું કે રાજ્ય સરકાર આ સર્ક્યુલર પાછો ખેંચી લેશે પણ તેમાં થોડા સુધારા સાથે નવેસરથી ડ્રાફ્ટ બનાવી નવો સર્ક્યુલર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.