ફોન ટાપિંગના મામલે પણ પોલીસે નાના પટોલેનું નિવેદન નોંધ્યું

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : પુણે પોલીસની ટીમ શનિવારે મુંબઈ આવી ટેલિફોન ટાપિંગ પ્રકરણમાં કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેનું નિવેદન લીધું હતું. ગેરકાયદે ફોન ટેપ કરવાનો કેસ ફેબ્રુઆરીમાં પુણેના બંડ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં અવ્યો હતો. જે લોકોના ગેરકાયદે ફોન ટેપ થયા હતા એમાં નાના પટોલેનો ફોન પણ હતો. 
નિવેદન નોંધાવ્યા બાદ પત્રકારો સાથે સંવાદ કરતાં નાના પટોલેએ કહ્યું હતું કે ગેરકાયદે ફોન ટાપિંગ પાછળના સૂત્રધારને ખુલ્લા પાડવાની જરૂર છે. રાજકીય કિન્નાખોરીના પગલે ફોન ખોટી રીતે ટેપ કરાતાં હતા. પુણે પોલીસ મારું નિવેદન લેવા મારા ઘરે આવી હતી અને મારા જે ફોન રેકોર્ડ થયો હતો એ મને સંભળાવ્યો પણ હતો. એમાનો અવાજ મારો હતો અને હું ખેડૂતોના આંદોલન, વડા પ્રધાનની કૃષિ વિરોધી નીતિ વિશે વાત કરતો હતો એ ફોન ટેપ કરાયો હતો. મારો નંબર કોઈ નશીલા પદાર્થના દલાલનો છે એવું કારણ આપી એ ટેપ કરાતો હતો. મારી પાસે એક જ મોબાઈલ નંબર છે. 
આઈપીએસ રશ્મી શુક્લ જ્યારે પુણેના પોલીસ કમિશનર હતા ત્યારે નાના પટોલેનો ફોન ટેપ થયો હતો. બંડ ગાર્ડન પોલીસે ઈન્ડિયન ટેલિગ્રાફ ઍક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. એક તપાસ સમિતિએ આપેલા રિપોર્ટ બાદ આ કેસ ફાઈલ કરવામાં આવેલો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer