હવેથી પ્રજાસત્તાક દિનની ઉજવણી સુભાષચંદ્ર બોઝના નામે

હવેથી પ્રજાસત્તાક દિનની ઉજવણી સુભાષચંદ્ર બોઝના નામે
દર વર્ષે 23 જાન્યુઆરી `સુભાષ જયંતિ'થી શરૂ થશે સમારોહ
નવી દિલ્હી, તા.15: સેના દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને સંબોધનમાં એક મોટું એલાન કરવામાં આવ્યું છે. હવેથી ગણતંત્ર દિવસના સત્તાવાર ઉજવણી કાર્યક્રમનો આરંભ 24 જાન્યુઆરીના બદલે 23મી જાન્યુઆરીથી થઈ જશે. જેથી સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝની જયંતીને પણ આ ઉજવણીમાં સામેલ કરી શકાય. 
આ નિર્ણય ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિના મહત્ત્વના પાસાઓને ઉજવવા અને મનાવવાના મોદી સરકારના અભિગમને અનુરૂપ છે. વડાપ્રધાન મોદીએ રેખાંકિત કર્યું હતું કે, આ પહેલા બોઝની જયંતીને પરાક્રમ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 
અન્ય જે દિવસો મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં 14 ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મરણ દિવસ, 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ(સરદાર પટેલની જયંતી), 15 નવેમ્બરે જનજાતીય દિવસ, 26 નવેમ્બરે સંવિધાન દિવસ અને 26 ડિસેમ્બરે વીર બાલ દિવસનો સમાવેશ થાય છે.
આ વર્ષે પ્રજાસત્તાક દિને પરેડમાં 24 હજાર લોકોની જ મંજૂરી
ત્રીજી લહેરમાં વકરતાં સંક્રમણનાં સંકટ વચ્ચે યોજાનાર ગણતંત્ર દિવસ પરેડમાં આ વખતે 24 હજાર લોકો જ સામેલ થઇ શકશે. કોરોના મહામારીથી પહેલાં 2020માં યોજાયેલી ગણતંત્ર દિવસ પરેડમાં સવા લાખ લોકોને સામેલ થવાની છૂટ અપાઇ હતી. ગણતંત્ર દિવસના અવસરે વિદેશી મહેમાનોને નિમંત્રણ આપવાની પરંપરા છે, પરંતુ કોરોનાના ખતરાને ધ્યાને લેતાં આ વખતે કોઇ વિદેશી મહેમાન સામેલ નહીં કરાય. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વરસે ઉજબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન, કિર્ગિસ ગણરાજ્ય અને તાજિકિસ્તાનના નેતાઓને આમંત્રિત કરવાની યોજના હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer