યુપીમાં ભાજપના 107 ઉમેદવાર જાહેર

યુપીમાં ભાજપના 107 ઉમેદવાર જાહેર
પંજાબમાં કૉંગ્રેસના 86 ઉમેદવારની યાદી
યોગી ગોરખપુર બેઠક લડશે
નવી દિલ્હી,તા.16: ભાજપે આજે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ અને દ્વિતીય ચરણનાં મતદાન માટે ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. પહેલી યાદીમાં ભાજપે 107 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. આ સાથે જ એલાન કરવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી વિધાનસભા ચૂંટણીમાં ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઝુકાવશે. જ્યારે ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય કૌશામ્બી જિલ્લાની સિરાથૂ બેઠક ઉપરથી ચૂંટણીમાં ઉતરશે. ખાસ ઉલ્લેખનીય છે કે, યોગી અત્યારે વિધાન પરિષદનાં સદસ્ય છે અને તેઓ પાંચ વખત ગોરખપુરનાં સાંસદ રહી ચૂકેલા છે.
ભાજપે જાહેર કરેલી પહેલી યાદીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ વખતે ભાજપ ઓબીસી ઉમેદવારોનાં સહારે વિજય સુનિશ્ચિત કરવાનાં પ્રયાસમાં છે. કારણ કે યુપીની ચૂંટણી રાજનીતિમાં ઓબીસી મતની ભૂમિકા મહત્ત્વની બની રહેતી હોય છે. પહેલી યાદીમાં 107 ઉમેદવારોમાંથી 44 ઓબીસી, 19 એસટી અને 10 મહિલાઓનાં નામ સામેલ કરાયા છે. 
જે 107 બેઠકો માટે આજે યાદી જાહેર થઈ છે તેમાંથી 83 બેઠકો ઉપર અત્યારે ભાજપનાં વિધાયક છે. જો કે આમાંથી માત્ર 63ને જ બીજીવાર ટિકીટ આપવામાં આવી છે. એટલે કે ભાજપે 20 ધારાસભ્યોનાં પત્તા કાપી નાખ્યા છે. તેનાં સ્થાને 20 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યાં છે.
મુખ્યમંત્રી યોગીની ગોરખપુર શહેર બેઠક માટે છઠ્ઠા તબક્કામાં મતદાન થશે. જ્યારે ઉપમુખ્યમંત્રી મૌર્યની સિરાથૂ બેઠક માટે પાંચમા તબક્કામાં ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. યોગી અયોધ્યાથી ચૂંટણી લડે તેવી ચર્ચા અને અટકળો હતી. આનાં માટે ચર્ચા પણ થઈ હતી અને આખરી નિર્ણય કેન્દ્રીય ચૂંટણી સમિતિ ઉપર છોડવામાં આવેલો. મળી રહેલા અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની કેન્દ્રીય ચૂંટણી સમિતિનાં અન્ય સદસ્યો સાથે બેઠક થઈ હતી અને તેમાં આજે જાહેર થયેલા નામો ઉપર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. 
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં જણાવ્યા અનુસાર યુપી વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે 58માંથી 57 બેઠકો માટેનાં ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા ચરણ માટે પપમાંથી 48 નામોનું એલાન થઈ ગયું છે.
ચન્ની ચમકૌર સાહિબ અને સિદ્ધૂ અમૃતસરથી ઉમેદવાર
કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને પંજાબમાં 86 ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. જેમાં ચમકૌર સાહિબથી ચરણજીતસિંહ ચન્ની, અમૃતસર ઈસ્ટથી નવજોત સિંહ સિદ્ધુ અને મોગાથી સોનુ સુદની બહેનને કોંગ્રેસની ટીકિટ મળી છે. સાંસદ પ્રતાપ સિંહ બાજવા કાદિયા અને સિંગર સિદ્ધ y મુસેવાલા માનસાથી ચૂંટણી લડશે. 
આ ઉપરાંત ગૃહમંત્રી સુખજિંદરસિંહ રંધાવાને ડેરા બાબા નાનકથી ટીકિટ આપવામાં આવી છે. જ્યારે પંજાબના ઉપમુખ્યમંત્રી ઓમપ્રકાશ સોની અમૃતસર સેન્ટ્રલથી ચૂંટણી લડશે. કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સુજાનપુરથી નરેશ પુરી, પઠાણકોટથી અમિત વિજ, ગુરદાસપુરથી બરિંદરજીત સિંહ, શ્રીહરગોવિંદપુરથી મનદીપ સિંહ, રાજા સાંસીથી સુખવિંદર સિંહને ટિકિટ આપી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer