સેના દુશ્મનો સામે સતર્ક : જનરલ નરવણે

સેના દુશ્મનો સામે સતર્ક : જનરલ નરવણે
આર્મી ડેની દમદાર ઉજવણી
નવ દિલ્હી, તા. 15 : ભારતીય સૈન્યના 74મા સ્થાપના દિવસે શનિવારે સૈન્ય વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ દેશવાસીઓને સંબોધતાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. નરવણેએ જણાવ્યું હતું કે, પાક આતંકવાદીઓને આશ્રય આપવાની આદતથી લાચાર છે. સીમાપાર પ્રશિક્ષણ શિબિરોમાં 300થી 400 આતંકી ભારતમાં ઘૂસણખોરીની તાકમાં છે.
સીમા પર ઘૂસણખોરી અને ડ્રોન દ્વારા હથિયારો ઘૂસાડવાના પાકિસ્તાનના નાપાક ઇરાદા નાકામ કરવા દેશની સેના સજ્જ છે, તેવી ધરપત પણ તેમણે આપી હતી.
નિયંત્રણ રેખા પર સ્થિતિ વિતેલાં વર્ષ કરતાં ઘણી સારી છે, પરંતુ પાકિસ્તાન નાપાક કૃત્ય કરવાની કોશિશમાં છે.
ભારતીય સુરક્ષા દળોના જાંબાઝ જવાનોએ કુલ્લ 114 આતંકવાદીઓને ઠાર મારતાં દેશમાં ઘૂસી, હિંસાના કારસાઓ નાકામ કર્યા છે. દરમ્યાન, સેનાધ્યક્ષે જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમ્યાન પાડોશી દેશો સાથે સહયોગ વધ્યો છે. ભારતીય સેનાના પાંચ હજારથી વધુ સૈનિકો વિવિધ પીસકિપીંગ ઓપરેશન્સમાં તૈનાત છે, તેવું નરવણેએ ઉમેર્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer