સાવધાન : દેશમાં કોરોનાના 2.68 લાખથી વધુ નવા સંક્રમિતો

સાવધાન : દેશમાં કોરોનાના 2.68 લાખથી વધુ નવા સંક્રમિતો
ઓમિક્રોનના દર્દીઓ છ હજારને પાર, ઍક્ટિવ કેસ 14.17 લાખથી વધુ 
નવી દિલ્હી, તા.15 : ઉત્તરાયણ ગયા પછી શીતલહેરની સાથોસાથ ત્રીજી લહેરનું જોર પણ ઘટે તો સારું, તેવી દેશભરમાં પ્રાર્થનાઓ વચ્ચે શનિવારે ડેલ્ટાના ડંખે વધુ 2.68 લાખથી વધારે લોકોને સંક્રમિત કર્યા હતા, તો નવા ઓમિક્રોનના દર્દીઓનો આંક છ હજારને આંબી ગયો છે. 
દેશમાં દર્દીઓની સંખ્યા 3.68 કરોડને આંબી 3,68,50,902 થઈ ગઈ છે, તો ઓમિક્રોનના કુલ્લ 6041 દર્દી છે. 
એકલાં કેરળમાં 199 સહિત દેશભરમાં આજે વધી 402 દર્દીની જીવનરેખા કોરોનાએ ટૂંકાવી દેતાં કુલ્લ 4,85,752 દર્દી જીવ ખોઈ ચૂકયા છે. 
આજે એક જ દિવસમાં 1.45 લાખથી વધુ, 1,45,747 કેસોનો ઉછાળો આવતાં સારવાર લેતા દર્દીઓની  સંખ્યા 14.17 લાખને પાર કરી, 14,17,820 પર પહોંચી ગઈ છે. છેલ્લા 223 દિવસમાં સૌથી વધુ સંખ્યા સાથે સારવાર લેતાં દર્દીઓ એટલે કે, સક્રિય કેસોનું પ્રમાણ વધીને 3.85 ટકા થઈ ગયું છે. 
દેશમાં અત્યાર સુધી 3.49 કરોડથી વધુ, 3,49,47,390 દર્દી સાજા થઈ ચૂકયા છે. સાજા થતાં દર્દીઓનો દર એટલેકે, રિકવરી રેટ ઘટીને 94.83 ટકા થઈ ગયો છે. 
લાંબા સમય બાદ શનિવારે દેશના વિવિધ રાજયોમાં એક જ દિવસમાં એક લાખથી વધુ 1,22,684 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતવામાં સફળ થયા હતા. 
સંક્રમણનો દૈનિક દર 14.7 ટકામાંથી વધીને 16.66 ટકા પર પહોંચી ગયો છે, તો સાપ્તાહિક સંક્રમણ દર પણ વધીને 12.84 ટકા થઈ ગયો છે. 
સંક્રમણ વધવા સાથે જારી રસીકરણના દેશવ્યાપી અભિયાન હેઠળ અત્યાર સુધી 156.02 કરોડથી વધુ ડોઝ આપી, લોકોને રસીનું કવચ આપી દેવાયું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer