મુંબઈમાં 54,558 ટેસ્ટમાં મળ્યા 10,661 સંક્રમિતો, 21,474ને રજા અપાઈ

મુંબઈમાં 54,558 ટેસ્ટમાં મળ્યા 10,661 સંક્રમિતો, 21,474ને રજા અપાઈ
29મી જુલાઈ પછી કોરોનાસુરે સહુથી વધુ 11નો ભોગ લીધો
કુલ દસ લાખ દરદીનો વિચિત્ર વિક્રમની લગોલગ મુંબઈ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.15 : શુક્રવારે મુંબઈમાંથી કોરોનાના 10,661 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 9,91,967 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 73,518 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. જે નવા દરદી મળ્યા હતા એમાંથી માત્ર 722 દરદીને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બાકીના હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. મુંબઈ હવે કુલ દસ લાખ સંક્રમિતોના આંકથી 8033 દરદી જેટલું દૂર છે. મુંબઈમાં આજે 11 મૃત્યુ નોંધાયા હતા. જે ગત છ મહિનામાં એટલે કે 29મી જુલાઈ પછી સહુથી વધારે છે.
શુક્રવારે મુંબઈમાંથી 11,317, ગુરુવારે 13,702, બુધવારે 16,420, મંગળવારે 11,647 અને સોમવારે 13,648 નવા દરદી મળેલા. છેલ્લા 24 કલાકમાં 11 કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતા શહેરનો મરણાંક 16,446 પર પહોંચી ગયો હતો. મુંબઈમાં માર્ચ, 2020થી અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9,91,967 ઉપર પહોંચી છે. હવે મુંબઈ કોરોનાના દસ લાખ દરદીના આંકની લગોલગ પહોંચ્યું છે.
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 21,474 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 8,99,358 દરદી સાજા થઈને ઘરે ગયા છે. મુંબઈનો રિક્વરી રેટ 91 ટકા છે, જ્યારે ડબાલિંગ રેટ 43 દિવસનો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 1.56 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 58 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્યની છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 54,558 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,45,64,996 ટેસ્ટ કરાઈ છે. 
પાલિકાએ કહ્યું હતું કે કોરોનાના કુલ 38,117 બૅડમાંથી અત્યારે માત્ર 5962 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 15.70 ટકા જ ખાટલા દરદીથી ભરેલા છે. શનિવારે મળેલા નવા દરદીમાંથી 111 નવા પેશન્ટોને ઓક્સિજન પર રાખવામાં આવેલા. એ ઉપરાંત જે નવા દરદી મળેલાં એમાં 8955 (84 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા. 
મહારાષ્ટ્રમાં કોરોનાના 43,211 નવા કેસ
મહારાષ્ટ્રમાંથી શનિવારે કોરોનાના નવા 42,462 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 71,70,483 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 2,64,441 દરદી સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 23 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,41,779 મૃત્યુ થયા છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 39,646 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં 22,00,108 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 6102 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 7,17,64,226 ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 71,70,483 ટેસ્ટ (9.99 ટકા) પોઝિટિવ આવી છે. 
થાણે શહેરમાંથી 2002 અને નવી મુંબઈમાં 1672 નવા કેસ
શિવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 838 નવા દરદી મળ્યા હતા, જ્યારે થાણે શહેરમાંથી 2002 નવા દરદી મળ્યા હતા. નવી મુંબઈમાંથી 1672, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 1081, ઉલ્હાસનગરમાંથી 201, ભિવંડી-નિઝામપુરમાંથી 140, મીરા-ભાયંદરમાંથી 637, પાલઘર જિલ્લામાંથી 526, વસઈ-વિરારમાંથી 787, રાયગઢ જિલ્લામાંથી 956 અને પનવેલ શહેરમાંથી 1473 નવા કેસ મળ્યા હતા.
મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનનો 125 નવા દરદી મળ્યા 
શનિવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વાઈરસના નવા 125 દરદી મળ્યા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ ખતરનાક વાઈરસના મળેલા દરદીઓની કુલ સંખ્યા 1730ની થઈ ગઈ છે. 879 દરદીઓને રજા આપી દેવામાં આવી છે. 
શનિવારે જે 125 નવા કેસ મળ્યા હતા એમાંથી 39 કેસ નાગપુરમાંથી, મુંબઈમાંથી 24, મીરા-ભાયંદરમાંથી 20, પુણેમાંથી 16, અમરાવતીમાંથી નવ, અકોલામાંથી પાંચ જ્યારે ઔરંગાબાદ, જાલના અને અહમદનગરમાંથી બે-બે કેસ મળ્યા હતા. પુણે જિલ્લામાંથી અત્યારે સુધી ઓમિક્રોનના કુલ 693 કેસ મળ્યા છે, જ્યારે મુંબઈમાંથી અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 653 કેસ મળ્યા છે. મુંબઈમાંથી મોટાભાગના દરદી ઍરપૉર્ટ પર ક્રાનિંગ દરમિયાન મળ્યા છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer