સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીની તૈયારી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મિની વિધાનસભા ગણવામાં આવતી મુંબઈ, થાણે, પુણે અને નાગપુર જેવી 23 મહાપાલિકા અને લગભગ 27 જિલ્લા પરિષદની ચૂંટણી આ વર્ષમાં યોજાવાની છે અને મહાવિકાસ આઘાડી સરકારની કામગીરી લોકો સુધી પહોંચે એ માટે રાજ્ય સરકારે વિશેષ જાહેરાત અભિયાન હાથ ધર્યું છે. એ માટે પહેલા તબક્કામાં જાન્યુઆરીથી માર્ચ આ ત્રણ મહિનામાં જાહેરાત પાછળ 16.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. છેલ્લા 16 મહિનામાં આઘાડી સરકારે આ જ રીતે જાહેરાત પાછળ 155 કરોડ રૂપિયાનો ખર્ચ ર્ક્યા છે.
રાજ્ય સરકારની વિવિધ યોજના, લક્ષ્યો, મહત્વાકાંક્ષી પ્રકલ્પ અને લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી સામાન્યજન સુધી પહોંચાડવા રાજ્યના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા વિવિધ માધ્યમો થકી જાહેરાત કરવામાં આવે છે. તે મુજબ રાજ્યના તેમ જ રાજ્યની બહારના વર્તમાનપત્રોમાં જાહેરાત આપવી, ખાનગી ચૅનલો, ખાનગી એફએમ ચૅનલો, કમ્યુનિટી રેડિયો, આકાશવાણી પર સરકારી સંદેશો પ્રસારિત કરવો, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેમજ અન્ય માધ્યમો દ્વારા સરકારના વિવિધ વિભાગની યોજનાઓ વિશે માહિતી આપવી, વિકાસકાર્યો વિશે પોસ્ટર, હોર્ડિંગ તૈયાર કરવા, સ્ટ્રીટપ્લે તૈયાર કરવા વગેરેનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે લગભગ 40થી 42 કરોડ રૂપિયાનું ભંડોળ જાહેરાતો માટે અનામત રાખવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાને કારણે એમાંથી માંડ પચીસ કરોડ રૂપિયા ખર્ચ થઈ શક્યા હોવાનું રાજ્ય સરકારના માહિતી અને જનસંપર્ક મહાસંચનાલયના સંચાલક ગણેશ રામદાસીએ જણાવ્યું હતું.
2020માં 104 કરોડ રૂપિયાનો ખર્ચ
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે છેલ્લા 16 મહિનાના સમયગાળામાં જાહેરાતો પર કુલ 155 કરોડ રૂપિયાનો ખર્ચ ર્ક્યો છે. એમાં સોશિયલ મીડિયા પર લગભગ 5.99 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને દર મહિને જાહેરાતો પર સામાન્ય રીતે 9.6 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવાનું પણ સ્પષ્ટ થયું છે. રાજ્યના માહિતી અને જનસંપર્ક મહાસંચનાલયના દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 11 ડિસેમ્બર, 2019થી 12 માર્ચ 2021ના સમયગાળામાં આ ખર્ચ થયો છે. એમાં 2019ના વર્ષમાં 20.31 કરોડ રૂપિયા તો વૅક્સિનેશન સંબંધિત પ્રચાર પાછળ સૌથી વધુ 19.92 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં કુલ 26 વિભાગોની જાહેરાત પર 104.55 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.