મુંબઈ, તા.15 (પીટીઆઇ) : અંધેરીમાં વૃધ્ધાને અૉનલાઈન પિત્ઝા અને ડ્રાયફ્રૂટ મંગાવવા જતા રૂ.11 લાખની અૉનલાઈન ઠગાઈ થઈ હોવાનું શનિવારે પોલીસે જણાવ્યું હતું. બીકેસી સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ મામલો સામે આવ્યો હતો. વૃધ્ધાની ફરિયાદના આધારે અજાણ્યા સાયબર ઠગ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને અન્ય કલમ ઉપરાંત આઇટી એકટ હેઠળ ગુનો નોંધાયો છે. અંધેરીમાં રહેતી ફરિયાદીએ જણાવ્યા મુજબ ગયા વર્ષે જુલાઈમાં તેણે અૉનલાઈન પિત્ઝા ઓર્ડર કર્યો હતો ત્યારે તેણે રૂ.9,999 ગુમાવ્યાં હતાં. બીજીવાર 29મી અૉકટોબરે અૉનલાઈન ડ્રાયફ્રૂટ મંગાવતા તેણે રૂ.1,496 ગુમાવ્યાં હતાં. ગૂગલ ઉપરથી કસ્ટમર કેરનો નંબર મેળવ્યા બાદ સંપર્ક કરતા તેને એની ડેસ્ક હેલ્પ એપ ડાઉનલોડ કરવા જણાવાયું હતું. સાયબર ઠગે ત્યારબાદ તેના બૅન્ક ખાતામાંથી 14મી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર, 2021 દરમિયાન રૂ.11.78 લાખ કાઢી લીધા હતા. ફરિયાદીએ પોતાની જમાપૂંજી ગુમાવતાં તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ મામલે સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.