અમદાવાદ, તા. 15 : ઉત્તરાયણ આનંદ અને મોજનો તહેવાર છે. પરંતુ ધારદાર અને પ્લાસ્ટિકના કાચ પાયેલા માંજાથી આકાશી યુદ્ધમાં અજેય બનવાનો ધખારો એને લોહિયાળ બનાવે છે. આકાશી યુધ્ધ જાણે કે ધરતી પર રક્ત ધારા વહાવે છે. આ ગળાકાટ ઇજાઓનો માનવીની સાથે પશુપક્ષી સહુ ભોગ બને છે અને વૃક્ષો અને નાજુક છોડવાની કપાતી ડાળીઓની વેદનાની નોંધ લેવાતી નથી કારણ કે એ ચિત્કાર નથી કરી શકતી. જીવનરક્ષક સેવા 108નો આ કોલ નંબર ઉતરાયણના આખો દિવસ ગળું કપાયું છે, મારી જિંદગી બચાવોના આર્તનાદથી જાણે કે રણકતો રહ્યો હતો. વડોદરા 108 સેવાના મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું કે તા.14 ની સવારના લગભગ 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ સેવાને આખા રાજ્યમાં ધારદાર દોરીથી ગળાને લોહિયાળ ઇજાના 248 કોલ મળ્યા.