વોશિંગ્ટન, તા. 15 : અમેરિકી અહેવાલ પ્રમાણે રશિયા યુક્રેન ઉપર હુમલો કરવાના બહાના માટે પૂર્વી યુક્રેનમાં પોતાની જ સેના ઉપર ફોલ્સ ફ્લેગ અભિયાન ચલાવવાની યોજના બનાવી રહ્યું છે. અધિકારીઓના કહેવા પ્રમાણે રશિયા યુક્રેનને હુમલાખોર તરીકે બદનામ કરવા માટે સોશિયલ મિડિયા ઉપર દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે. સૈન્ય સંઘર્ષની સંભાવનાને વધુ તત્કાળ બનાવવા માટે મોટા પ્રમાણમાં યુક્રેની સરકારી વેબસાઈટને સાઈબર હુમલા બાદ ઓફલાઈન કરવામાં આવી છે. યુક્રેનને લઈને અમેરિકા અને રશિયાની વાતચીત નિષ્ફળ ગઈ છે. ત્યાર બાદ રશિયાએ સૈનિકોનું યુદ્ધ પરીક્ષણ વધારે તેજ કરી દીધું છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે પશ્ચિમ સાથે હવે રશિયાની સહનશક્તિ જવાબ આપી ગઈ છે. કારણ કે રશિયાએ આશ્વાસન માગ્યું હતું કે નાટો તેના ક્ષેત્ર નજીક વિસ્તાર કરશે નહી.