ઓમકાર ગ્રુપ અને અભિનેતા સચીન જોશીની 410 કરોડની પ્રોપર્ટીને ઈડીએ ટાંચ મારી

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ હવાલા પ્રતિબંધક કાયદા હેઠળ મુંબઈસ્થિત બીલ્ડર ઓમકાર ગ્રુપ અને અભિનેતા-ફિલ્મ નિર્માતા સચીન જોશીના કુલ 410 કરોડના મૂલ્યના ફ્લૅટ્સ અને જમીનને ટાંચ મારી છે. 
અમુક તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરનાર સચીન જોશી જેએમજે ગ્રુપના પ્રમોટર અન બિઝનેસમેન જે. એમ. જોશીના પુત્ર છે. જેએમ જોશી ગુટકા 
અને પાનમસાલાના તથા હૉસ્પિટાલિટીના વ્યવસાયમાં પણ છે. સચીન જોશીએ અમુક ફિલ્મોનું પણ નિર્માણ કર્યું છે. 
ઈડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે હવાલા પ્રતિબંધક ધારા હેઠળ વરલીમા ઓમકાર ગ્રુપની ઓમકાર 1973 નામની બિલ્ડિંગના ટાવર સીમાં અંદાજે 330 કરોડના ફ્લૅટ્સ તથા સચીન જોશીની કંપનીની પુણેમાં વિરામ ખાતેની અંદાજે 80 કરોડની જમીનને ટાંચ મારવાનો હંગામી આદેશ ઇસ્યું કરાયો છે. 
ઈડીએ કહ્યું હતું કે ઓમકાર રિયાલ્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડની ભગિની કંપની સુરાના ડેવલપર્સ વડાલા એલએલપીએ ખોટી રીતે 410 કરોડની લોનની રકમ પ્રાપ્ત કરી હતી. ઝૂંપડાઓની સંખ્યા તથા એફએસઆઈ ખોટી રીતે વધારી આ લોન મેળવવામાં આવી હતી. 
ઈડીએ વધુમાં કહ્યું હતું કે 410 કરોડમાંથી 330 કરોડની રકમનો હવાલો ઓમકાર ગ્રુપના સેલ બિલ્ડિંગોમાં એડજેસ્ટ કરાયો હતો અને બાકીની 80 કરોડની રકમ સચીન જોશી અને તેની વાઈકિંગ કંપની મારફતે સર્વીસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટને નામે હવાલો પાડવામાં આવ્યો હતો. 
ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કંપની અને લોકો પર ગયા જાન્યુઆરીમાં દરોડા પાડયા હતા અને માર્ચમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચાર્જશીટમાં ઓમકાર રિયાલ્ટર્સ ઍન્ડ ડેવલપર્સના ચેરમેન કમલ કિશોર ગુપ્તા (62), મેનાજિંગ ડિરેક્ટર બાબુલાલ વર્મા (51) તથા સચીન જોશી અને તેની કંપનીઓને આરોપી બનાવવામાં આવી હતી. 
ત્રણેની ઈડીએ ગયા વર્ષે ધરપકડ કરી હતી. સચીન જોશીને ગયા સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ચાર મહિના માટે જામીન આપ્યા હતા, જ્યારે બાકીના બે આરોપી અત્યારે અદાલતી કસ્ટડીમાં છે. 
2020માં ઔરંગાબાદ પોલીસે ગુપ્તા અને વર્મા સામે યસ બૅન્કના 410 કરોડ ડાઈવર્ટ કરવાનો તથા છેતરાપિંડીનો 
ગુનો નોંધ્યો હતો. આ ગુનાના આધારે ઈડી પણ ગુનો નોંધ્યો હતો. આરોપીઓએ ઔરંગાબાદમાં આનંદનગર સ્લમના એસઆરએ હેઠળ રિડેવલપ્ડ કરવાના નામે બૅન્કમાંથી 410 કરોડની લોન લીધી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer