અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રમાં કોરોનાના ઓમિક્રોન વાઈરસના કેસો વધી રહ્યા હોવા છતાં રાજ્યમાં ડેલ્ટાનું જોર હજી ઘટયું નથી અને અત્યારે કોરોનાના જે કેસો મળી રહ્યા છે એમાં ડેલ્ટા વાઈરસના કેસો વધુ હોય છે એમ રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે, દરદીઓના સેમ્પલ્સના જીનોમ સિક્વન્સિગમાં ડેલ્ટાની બોલબાલા હોવાનું પુરવાર થયું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. પ્રદિપ વ્યાસે બુધવારે તેમના સાથીઓને એક પત્ર લખ્યો હતો અને એમાં તેમણે કહ્યું હતું કે, 4200 દરદીના સેમ્પલ્સના એનાલિસિસમાં 68 ટકા સેમ્પલ્સમાં ડેલ્ટાના વિષાણુ જોવા મળ્યા હતા, જ્યારે 32 ટકાને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હતો.
ગયા વર્ષે કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટાના વિષાણુએ હાહાકાર મચાવ્યો હતો. નવેમ્બર, 2021માં સાઉથ આફ્રિકામા શોધાયેલા ઓમિક્રોન વાઈરસે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ભારતમાં પ્રવેશ કર્યો હતો. શુક્રવાર રાત સુધી મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ 1605 કેસ હતા, જ્યારે કોરોનાના કુલ દરદીની સંખ્યા વધીને 71,24,278ની થઈ ગઈ હતી.
ડૉ. પ્રદિપ વ્યાસે પત્રમાં એવું પણ જણાવ્યું છે કે ગયા વર્ષે એક નવેમ્બરથી કોરોનાના કુલ 4265 દરદીના સેમ્પલ્સ જીનોમ સિક્વન્સિગ માટે મોકલવામાં આવ્યા હતા. આમાથી 4201 સેમ્પલ્સના રિઝલ્ટ આવી ગયા છે. આમાથી 1367 સેમ્પલ્સમાં એટલે કે 32 ટકા સેમ્પલ્સમાં ઓમિક્રોનનો ચેપ હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં ત્રણ અઠવાડિયાથી કોરોનાના કેસમાં વિસ્ફોટ થયો છે. 12 જાન્યુઆરીએ 2,40,133 દરદી સારવાર હેઠળ હતા અને એમાંથી 90.9 ટકા દરદી હોમ કે સંસ્થાકીય આઈસોલેશનમાં હતા. માત્ર 9.1 ટકા એટલે કે 21,783 દરદી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા 21,783 દરદીમાંથી 16,175 (74.2 ટકા) દરદીઓમાં કોરોનાના હળવા લક્ષણો હતા અને 5608 (2.30 ટકા) દરદીને આઈસીયુ કે ઓક્સિજનની જરૂર પડી હતી. માત્ર 700 દરદી (0.29 ટકા) દરદી વેન્ટિલેટર પર હતા.
તેમણે કહ્યું હતું કે કોરોનાના બહુમતિ કેસો મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર, પુણે અને નાગપુર જેવા મોટા શહેરોમાંથી જ મળી રહ્યા છે અને શહેરોમાં રસીકરણની ટકાવારી પણ સારી છે. તેમણે પોતાના હાથ નીચેના અધિકારીઓને કોરોનાના વર્તમાન વિસ્ફોટનો સામનો કરતી વેળાએ આ બધા પાસાનો વિચાર કરવાની સૂચના આપી હતી.