અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી 178 કૉલેજોમાં પ્રિન્સિપાલ ન હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ કૉલેજો પ્રિન્સિપાલ વગર પદાધિકારીઓ અને કર્મચારીઓનાં ભરોસે ચાલી રહી છે.
સૂચના અધિકાર હેઠળ અનિલ ગલગલીએ મુંબઈ વિશ્વ વિદ્યાલયથી જોડાયેલી કૉલેજોનાં પ્રિન્સિપાલો સંબંધિત યાદી માંગી હતી. મુંબઈ વિશ્વ વિદ્યાલયના મહાવિદ્યાલય શિક્ષક માન્યતા વિભાગે 38 પાનાંની યાદી સોંપી હતી. આ યાદીમાં 808 કૉલેજોના નામ છે જે મુંબઈ વિદ્યાપીઠ સાથે જોડાયેલી છે. આરટીઆઈની જાણકારી અનુસાર 81 કૉલેજોમાં પ્રિન્સિપાલના પદ ઉપર કાયમી વ્યક્તિ જ નથી. અહીં પ્રિન્સિપાલના સ્થાને ડિરેકટરના પદ છે. બાકી 727 કૉલેજોમાંથી 178 કૉલેજો પ્રિન્સિપાલ વિના ચાલી રહી છે. જ્યારે 23 કૉલેજો અંગે વિદ્યાપીઠ પાસે કોઈપણ રેકર્ડ નથી.
જે કૉલેજો પદાધિકારી અને કર્મચારીઓની મદદથી ચાલી રહી છે એ યાદીમાં કે. જે. સોમૈય્યા, ઠાકુર એજ્યુકેશનલ ટ્રસ્ટ, શહીદ કલાની મેમોરિયલ ટ્રસ્ટ, તલરેજા કૉલેજ, વર્તક કૉલેજ, બૉમ્બે ફલાઇંગ કલબ કૉલેજ, રામજી અસાર કૉલેજ, ગુરુનાનક કૉલેજ, સેઠ એનકેટીટી કૉલેજ, જીતેન્દ્ર ચૌહાણ કૉલેજ, મંજરા કૉલેજ, રિઝવી કૉલેજ, અકબર પિરભોય કૉલેજ, સંઘવી કૉલેજ, વિવેકાનંદ કૉલેજ, વિલેપાર્લે કેળવણી કૉલેજ, બૉમ્બે બંટ્સ કૉલેજ, આરઆર એજ્યકેશન કૉલેજ, એચ આર કૉલેજ, અંજુમન ઇસ્લામ કૉલેજનો સમાવેશ થાય છે.