ગોરેગામમાં બીજું ડૉપ્લર રડાર કાર્યાન્વિત હવામાનની અચૂક આગાહી શક્ય

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : અરબી સમુદ્ર પરથી ફૂંકાતા જોરદાર પવનો, વાવાઝોડા અને મૂશળધાર વરસાદ જેવી હવામાન સંબંધિત ઘટનાઓની ચોક્કસ આગાહી કરી શકાય એ માટે હવામાન વિભાગે મુંબઈમાં ડૉપ્લર રડારની સંખ્યા વધારી છે. તાજેતરમાં ગોરગામમાં મુંબઈના બીજા ડૉપ્લર રડારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારતીય હવામાન વિભાગના 147માં સ્થાપના દિન નિમિત્તે 14 જાન્યુઆરીએ વિજ્ઞાન અને તંત્રજ્ઞાન મંત્રાલયના કેન્દ્રના પ્રધાન ડૉ. જીતેન્દ્રસિંહ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે રડારનું ઉદ્ઘાટન કરાયું હતું.
ડૉપ્લર રડાર દ્વારા ત્રણથી ચાર કલાકની આગાહી કરી શકાય છે. કેટલાક વર્ષ પહેલાં કોલોબામાં પહેલું રડાર બેસાડવામાં આવ્યું હતું. એના દ્વારા 500 કિલોમીટર સુધીના હવામાનમાં ફેરફારની અચૂક નોંધ કરી શકાય છે. પરંતુ સંપૂર્ણ મુંબઈ મહાનગર ક્ષેત્રમાં ફક્ત એક રડાર દ્વારા ધ્યાન રાખી શકાય નહીં. રડારની સંખ્યા જેટલી વધુ એટલી વધુ ચોક્કસ માહિતી આપી શકાય. ગોરેગામમાં કાર્યરત કરાયેલા બીજા રડાર દ્વારા 450 કિલોમીટર સુધીના વિસ્તારમાં હવામાન સંબંધી ફેરફારો ઉપર નજર રાખી શકાશે. `મેઈક ઇન ઇન્ડિયા' હેઠળ ચેન્નઈમાં બનાવવામાં આવેલું આ રડાર પૂર્ણપણે ભારતીય બનાવટનું છે.
ગોરેગામનું રડાર સી બૅન્ડનું છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે દર ત્રણ કલાકમાંના મૂશળધાર વરસાદ, મેઘગર્જના અને વીજળીના કડકડાટ અંગેની માહિતી મેળવવા માટે થશે. આ રડાર બેસાડવા માટે અનેક જગ્યાએ તપાસ ર્ક્યા બાદ પાલિકાએ હવામાન વિભાગને ગોરેગામમાં વેરાવલી વિસ્તારમાં જગ્યા ઉપલબ્ધ કરી આપી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer