ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસને ફાળે અત્યાર સુધી એક બેઠક આવી

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે શનિવારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં અમારા પક્ષની સમાજવાદી પાર્ટી જોડે બેઠક સમજૂતીની વાતો ચાલી રહી છે અને અત્યાર સુધી અમારા પક્ષ માટે એક બેઠક માટે સમજૂતી થઈ છે. 
તેમણે કહ્યું હતું કે આ એક બેઠક પર રાષ્ટ્રવાદી પક્ષનો ઉમેદવાર ચૂંટણી લડશે. બીજી અન્ય સીટ્સ માટે મંત્રણા ચાલુ છે. 
તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ 1993 જેવી છે. 1993માં ઉત્તર પ્રદેશમાં ભજપને સત્તા પર આવતો રોકવા સમાજવાદી પક્ષના સ્થાપક મુલાયમે ભાજપને પછડાટ આપવા બહુજન સમાજ પાર્ટીના ચીફ કાશી રામ સાથે યુતી કરી હતી. ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ હોવાછતાં સપા-બસપાએ ભેગા મળીને સરકાર બનાવી હતી. અન્ય પક્ષોનો ટેકો પણ લીધો હતો. 
મહારાષ્ટ્રના પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે ભાજપનું જે પ્રકારનું રાજકારણ છે એને ઉત્તર પ્રદેશના લોકોએ નકાર્યું છે. એટલે દલિત, ઓબીસી, શ્રમિકો, કિસાનો પોતાના ભલા માટે ભાજપથી અડગા થઈ રહ્યા છે. 
અન્ય રાજ્યોમાની વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરતાં નવાબ મલિકે કહ્યું હતું કે મણિપુરમાં કૉંગ્રેસ પક્ષ સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસે યુતિ કરી છે, પણ ગોવામાં બેઠકોની સમજૂતીની મંત્રણામાં પ્રગતિ થઈ નથી. એટલે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ ગોવામાં ગયા વખતની જેમ એકલે હાથે ચૂંટણી લડવાનું વિચારે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer