દસ ફેબ્રુ.થી સાત તબક્કામાં મતદાન; દસ માર્ચે પરિણામ

દસ ફેબ્રુ.થી સાત તબક્કામાં મતદાન; દસ માર્ચે પરિણામ
પાંચ રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
15 જાન્યુઆરી સુધી રોડ શૉ, સભા, સરઘસ નહીં : ચૂંટણી પંચ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.8: કોરોના કાળમાં પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ચૂંટણી પંચે શનિવારે તારીખો જાહેર કરી હતી સાથે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ છે. ચૂંટણી પંચે જાહેર કર્યા અનુસાર પાંચ રાજ્યમાં કોવિડ-19 પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરી 7 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 10 ફેબ્રુઆરીથી મતદાનનો પહેલો તબક્કો શરૂ થશે જે 7 માર્ચ સુધી 7 તબક્કામાં ચાલશે. 10 માર્ચે પાંચેય રાજ્યનું ચૂંટણી પરિણામ એકસાથે જાહેર કરવામાં આવશે. ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન યોજાશે. મણિપુરમાં બે તબક્કામાં ર7 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન યોજાશે. યુપીમાં 10 ફેબ્રુઆરીએ પહેલો તબક્કો, 14 ફેબ્રુઆરીએ બીજો, ર0 ફેબ્રુઆરીએ ત્રીજો, ર3 ફેબ્રુઆરીએ ચોથો, ર7 ફેબ્રુઆરીએ પાંચમો, 3 માર્ચે છઠ્ઠો અને 10 માર્ચે સાતમાં તબક્કાનું મતદાન યોજાશે.
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ પત્રકાર પરિષદમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતાં 1પ જાન્યુઆરી સુધી ડોર ટુ ડોર અને વર્ચ્યુઅલ કેમ્પેઇન ઉપરાંત અન્ય કોઈપણ પ્રકારના પ્રચાર પર રોક લગાવી હતી. ડોર ટુ ડોર કેમ્પેઇનમાં પણ માત્ર પ વ્યક્તિની છૂટ આપવામાં આવશે. આગળ જતાં 1પ જાન્યુઆરી બાદ સ્થિતિની સમીક્ષા કરી આગળનો નિર્ણય લેવાશે. કોરોનાથી બચાવ સંબંધિત દિશા-નિર્દેશોનું પાલન કરતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તથા ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનારા તમામ કર્મચારીઓને કોરોના પ્રિકોશન ડોઝ સુનિશ્ચિત કરવામાં આવશે.
  • મતદાનના સમયમાં 1 કલાકનો વધારો.
  • મતદાન કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવશે.
  • વૃદ્ધો, દિવ્યાંગો, કોરોનાગ્રસ્તો માટે ઘરેથી મતદાનની સુવિધા.
  • વર્ચ્યુઅલ રેલીની છૂટ, ડોર ડૂ ડોર પ્રચાર પર નિયંત્રણો.
  • વિજય જુલૂસ કાઢવા પર પ્રતિબંધ.
  • રોડ શો, રેલી, નુક્કડ સભા, સાઇકલ-બાઇક રેલી પર પ્રતિબંધ.
  • ઉમેદવારો માટે ઓનલાઇન નામાંકનનો વિકલ્પ.
  • ઉમેદવારોનો ગુનાઇત રેકોર્ડ પક્ષે જાહેર કરવો પડશે.
  • મહિલા કર્મીઓ દ્વારા સંચાલિત ખાસ બૂથ.
  • મતદાન કેન્દ્રો પર માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ જરૂરી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer