મુંબઈમાં સતત ત્રીજા દિવસે 20,000થી વધુ કોરોના સંક્રમિતો

મુંબઈમાં સતત ત્રીજા દિવસે 20,000થી વધુ કોરોના સંક્રમિતો
મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનના 133 નવા દરદી મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 8 : શનિવારે મુંબઈમાંથી કોરોનાના 20,318 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 8,95,780 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 1,06,037 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં આજે સતત ત્રીજા દિવસે 20,000 કરતા વધારે કેસ મળ્યા છે. ગુરુવારથી મુંબઈમાં 20 હજાર અને 21 હજાર વચ્ચે નવા કેસો મળી રહ્યા છે. નવા કેસો મળવાની સંખ્યા સ્થિર થઈ હોવાનું લાગી રહ્યું છે. 
શુક્રવારે મુંબઈમાંથી 20,971, ગુરુવારે 20,181, બુધવારે 15,166, મંગળવારે 10,860 અને સોમવારે 8082 નવા દરદી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં પાંચ કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતા શહેરનો મરણાંક 16,399 પર પહોંચી ગયો હતો. 
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6003 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,70,056 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરી રેટ 86 ટકા છે, જ્યારે ડબાલિંગ રેટ 47 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 1.47 ટકા છે. મુંબઈમાં અત્યારે 120 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા નવની છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 71,019 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,41,35,556 ટેસ્ટ કરાઈ છે. 
પાલિકાએ કહ્યું હતું કે કોરોનાના કુલ 33,803 બૅડમાંથી અત્યારે માત્ર 7334 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 21.40 ટકા ખાટલા દરદીથી ભરેલા છે. શનિવારે મળેલા નવા દરદીમાંથી 108 નવા પેશન્ટોને ઓક્સિજન પર રાખવામાં આવેલા. એ ઉપરાંત જે નવા દરદી મળેલાં એમાં 16,661 (82 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા.
મહારાષ્ટ્રમાં કોરોનાના 41,434 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી શનિવારે કોરોનાના નવા 41,434 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 68,75,656 કેસ મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 1,73,238 દરદી સારવાર હેઠળ છે. 
શુક્રવારે રાજ્યમાંથી 40,925, ગુરુવારે 36,265, બુધવારે 26,538, મંગળવારે 18,466 અને સોમવારે 12,160 નવા કેસ મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,41,627 મૃત્યુ થયાં છે. રાજ્યનો મૃત્યુ દર 2.05 ટકા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9671 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યારે સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 65,57,081 થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 95.37 ટકા છે. 
રાજ્યમાં 8,45,089 લોકો હોમ ક્વૉરન્ટાઈનમાં છે જ્યારે 1851 લોકો સંસ્થાકીય ક્વૉરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 7,03,42,143 ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 68,75,656 ટેસ્ટ (9.77 ટકા) પૉઝિટિવ આવી છે. 
થાણે શહેરમાંથી 3092 અને નવી મુંબઈ 2439 નવા કેસ
શનિવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 999 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 3092 નવા દરદી મળ્યા હતા.  નવી મુંબઈમાંથી 2439, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 1306, ઉલ્હાસનગરમાંથી 249, ભિવંડી-નિઝામપુરમાંથી 102, મીરા-ભાયંદરમાંથી 1234, પાલઘર જિલ્લામાંથી 347, વસઈ-વિરારમાંથી 1257, રાયગઢ જિલ્લામાંથી 613 અને પનવેલ શહેરમાંથી 1178 નવા કેસ મળ્યા હતા. 
પુણે શહેરમાંથી 2521 જ્યારે પિંપરી-ચિંચવડ પાલિકાની હદમાંથી 1075 કેસ મળ્યા હતા. 
શનિવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વાયરસના 133 નવા પેશન્ટ્સ મળ્યા હતા. એ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ ખતરનાક વાયરસના મળેલા દરદીઓની સંખ્યા 1009 પર પહોંચી ગઈ છે. 439 દરદીઓને રજા આપી દેવામાં આવી છે. 
શનિવારે ઓમિક્રોનના જે નવા 133 દરદી મળ્યા હતા એમાંથી 129 દરદી પુણે જિલ્લામાંથી, બે વસઈ-વિરારમાંથી, એક મુંબઈમાંથી અને એક દરદી અહમદનગરમાંથી મળ્યો હતો. મુંબઈમાંથી ઓમિક્રોનના કુલ 566 અને પુણે જિલ્લામાંથી કુલ 286 દરદી મળ્યા છે. મુંબઈમાંથી મોટા ભાગના દરદી ઍરપોર્ટ પર ક્રાનિંગ દરમિયાન મળ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer