પાંચ રાજ્યની ચૂંટણી જાહેર

પાંચ રાજ્યની ચૂંટણી જાહેર
મતદાન મથકે ન જઈ શકનારાઓના ઘરે જઈ મતદાન
નવી દિલ્હી, તા.8 : ચૂંટણીપંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરતી વખતે કરેલાં એક એલાને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પંચે જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને કોરોનાવાયરસથી પ્રભાવિત લોકોને ઘરેથી મત આપવાની સુવિધા આપવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આ સુવિધા આપવામાં આવશે.
હવે 80 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિક, દિવ્યાંગ અને કોરોનાવાયરસથી પ્રભાવિત મતદાતાઓને ઘરથી મત આપવાની સુવિધા આપવામાં આવશે. પંચે કહ્યું હતું કે અમે તો ઈચ્છીએ છીએ કે તમે મતદાન મથકે આવીને પોતાનો મત આપો આમ છતાં જો અમુક લોકો આવી શકતા નથી તો ચૂંટણીપંચ જાતે તેમના દરવાજે જશે.
હવા કી ઓટ લેકર ભી ચિરાગ જલતા હૈ...
ચૂંટણી જાહેર થઈ ત્યારે એક સવાલનો મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ શાયરાના અંદાજમાં જવાબ આપ્યો કે, યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ લેકર ભી ચિરાગ જલતા હૈ... તેમણે કહ્યં કે, આપણે કોરોના મહામારીમાંથી નીકળવામાં વિશ્વાસ રાખવો પડશે.
કુલ 690 બેઠક, 18.34 કરોડ મતદાર
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કુલ 690 બેઠક માટે ચૂંટણી થશે. જેમાં યુપીમાં સૌથી વધુ 403, પંજાબમાં 117, ઉત્તરાખંડમાં 70, મણિપુરમાં 60 અને ગોવામાં વિધાનસભાની 40 બેઠક સામેલ છે. કુલ 18.34 કરોડ મતદારો જનાદેશ આપશે. જેમાં 8.55 કરોડ મહિલા મતદારો છે. આ વખતે 24.9 લાખ નવા મતદારો ઉમેરાયા છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer