મહારાષ્ટ્ર સરકાર સોના-ચાંદી પરની સ્ટૅમ્પ ડયૂટી ઘટાડશે?

મહારાષ્ટ્ર સરકાર સોના-ચાંદી પરની સ્ટૅમ્પ ડયૂટી ઘટાડશે?
વિવિધ પાસાના અભ્યાસ માટે સમિતિ રચાઈ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 8 : વિમાનથી  આયાત થતા સોના અને ચાંદી પરની  સ્ટેમ્પ ડયૂટી માફ કરવા અથવા ઓછી કરવામાં આવે તો મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ પર શું પરિણામ આવશે એ સહિત તમામ પાસાનો અભ્યાસ કરવા નાણાં મંત્રાલયના એડિશનલ ચીફ સેક્રેટરીની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરાઈ છે. આ સમિતિ એની ભલામણો સાથે એક મહિનામાં રિપોર્ટ આપશે. 
રાજ્યમાં વિમાન માર્ગે આયાત થતાં સાના-ચાંદી પર 0.01 ટકા સ્ટેમ્પ ડયૂટી માફ અથવા ઓછી કરવા સરકારને વેપારીઓ તરફથી આવેદન મળ્યું છે. સરકારે ટૅક્સ માળખાને બીજાના રાજ્યોની સરખામણીમાં સમાન કરવા તથા સરકારી મહેસૂલ પર પણ માર પડે નહીં એ માટે આ સમિતિનું ગઠન કર્યું છે. રાજ્ય સરકારે જ્યારથી સ્ટેમ્પ ડયૂટી લગાડી છે ત્યારથી વિમાન વાટે આવતું સોનુ બીજા રાજ્યોમાં ઉતરવા લાગ્યું છે. આને લીધે રાજ્યમાં સોનાની આયાત ઘટી છે અને સરકારને ત્રણ ટકા જીએસટીના રૂપમાં છ હજાર કરોડોની આવકની ખોટ ગઈ છે. જ્યારે સ્ટેમ્પ ડયૂટી પેટે સરકારને માત્ર 400 કરોડની આવક થઈ છે. સ્ટેમ્પ ડયૂટીને લીધે સોનું દિલ્હી, ચેન્નઈ અને બીજા શહેરોમાં ઉતરી રહ્યું છે. 
ડિસેમ્બર, 2019થી સપ્ટેમ્બર, 2020 વચ્ચે દિલ્હીએ 36,281 કરોડ અને ચેન્નઈએ 7804 કરોડ સોનાની આયાત કરી હતી. આ બે શહેરોની સરખામણીમાં મુંબઈમાં માત્ર 1342 કરોડ સોનું આયાત થયું હતું. 
સરકારે જે સમિતિ બનાવી છે એમાં મહેસૂલ, સ્ટેમ્પ ડયૂટી ઍન્ડ રજિસ્ટ્રેશન વિભાગના અપર મુખ્ય સચિવ, નાણાકીય સુધારણા વિશેના પ્રધાન સચિવ, રાજ્યના ટૅક્સ કમિશનર સભ્ય હશે. સભ્ય સચિવ તરીકે રાજ્યના નોંધણી મહાનિરિક્ષક અને મુંદ્રાક નિયંત્રક સમિતિનું કામ જોશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer