પમ્પિંગ સ્ટેશનના પ્લૉટની અદલાબદલીમાં બીલ્ડરને 500 કરોડનો ફાયદો : સાગર

પમ્પિંગ સ્ટેશનના પ્લૉટની અદલાબદલીમાં બીલ્ડરને 500 કરોડનો ફાયદો : સાગર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મુંબઈની વિકાસ યોજના મંજૂર કરતી વેળાએ વિવિધ આરક્ષણો સૂચવવામાં આવ્યાં હતાં, પણ મુંબઈ પાલિકાના ભ્રષ્ટ વહીવટને કારણે હવે બગીચા અને ખેલકૂદનાં મેદાનો પૂર્ણપણે નામશેષ થઈ રહ્યાં છે. આ સંજોગોમાં પાલિકાના 80જી હેઠળના બગીચા માટે આરક્ષિત અને અતિક્રમણ વિહોણા અને બાંધકામ માટે યોગ્ય ભૂખંડ અજમેરા બીલ્ડરને અદલાબદલીમાં આપવામાં આવ્યો છે. તેના બદલામાં પાલિકાએ અજમેરા બીલ્ડરનો બાંધકામ માટે અયોગ્ય અને પર્યાવરણ વિષયક પરવાનગીના ચકરાવામાં અટવાય એવો ભૂખંડ મુંબઈ પાલિકાએ માહુલ પમ્પિંગ સ્ટેશન માટે પોતાના કબજામાં લીધો છે. પાલિકા આ પ્લોટની અદલાબદલી સામે સ્થગિત આદેશ નહીં આપે તો કાયદેસર રસ્તો લેવો પડશે. એવો આક્ષેપ ભાજપના વરિષ્ઠ વિધાનસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન યોગેશ સાગરે કર્યો છે.
યોગેશ સાગરે જણાવ્યું છે કે અજમેરા બીલ્ડરનો પર્યાવરણની પરવાનગી મેળવવી પડે એવા પ્લૉટને પાલિકાએ પોતાના કબજામાં લીધો છે. તેના બદલામાં અતિક્રમણ વિનાનો અને બાંધકામ કરવા યોગ્ય પ્લૉટ અજમેરા બીલ્ડરને આપી દીધો છે. તેના કારણે અજમેરા બીલ્ડરને 500 કરોડનો ફાયદો થયો છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની બનેલી મહાવિકાસ આઘાડી સરકારે મુંબઈગરાનો ઉપયોગી પ્લૉટ બીલ્ડરને સોંપી દીધો છે. તેના કારણે બીલ્ડરને 500 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. પાલિકાની સુધાર સમિતિના ગત નવેમ્બરના એજન્ડામાં આ વિષયની ચર્ચામાં ભાજપના સભ્યોને બોલવા દેવામાં આવ્યા નહોતા. ગત નવેમ્બરના એજન્ડામાં આ ભૂખંડ માટે ડેવલપમેન્ટ રાઇટ સર્ટિફિકેટ ઇશ્વરલાલ અજમેરાના નામે આપવાનું નક્કી થયું હતું. સર્વોચ્ચ અદાલતએ અગાઉ આપેલા આદેશ અનુસાર જાહેરહિત માટે સંપાદિત કરાયેલા ભૂખંડ તેના મૂળ માલિકને પરત કરી શકાતો નથી. તેથી પાલિકાએ આ ભૂખંડની અદલાબદલી અટકાવે અન્યથા કાયદેસર માર્ગ લેવો પડશે એમ સાગરે ઉમેર્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer