વિરાટ કોહલી અને રિદ્ધિમાન સાહાની વાપસી થવાથી

વિરાટ કોહલી અને રિદ્ધિમાન સાહાની વાપસી થવાથી
ત્રીજી ટેસ્ટમાં વિહારી અને પંતને આરામ અપાશે?
નવી દિલ્હી, તા. 8 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજો અને અંતિમ ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાનમાં રમાશે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની ભારતની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી થઈ શકે છે. જે પીઠમાં ઈજાના પગલે બીજા ટેસ્ટમાં ટીમનો હિસ્સો નહોતો. ભારતે પહેલો ટેસ્ટ મેચ 113 રને જીત્યો હતો જ્યારે જોહનિસબર્ગમાં રમાયેલા બીજા ટેસ્ટ મેચમાં 7 વિકેટે હારનો સામનો કરવો પડયો હતો. વર્તમાન સમયે બન્ને ટીમ 1-1ની બરાબરીએ છે. ત્રીજા ટેસ્ટમાં કોહલીની વાપસી થતા હનુમા વિહારીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થવું પડે તેવી શક્યતા છે. 
હૈદરાબાદના બેટ્સમેન વિહારીએ બીજા ટેસ્ટના પહેલા દાવમાં 20 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં 40 રનનું યોગદાન આપ્યું હતું પરંતુ આ ઇનિંગ પ્લેઇંગ ઇલેવનમાં બની રહેવા માટે પૂરતું નથી. વિહારી ઉપરાંત વિકેટકિપર ઋષભ પંત અને બોલર મોહમ્મદ સિરાજની જગ્યાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. પંત ખરાબ બેટિંગનાં કારણે આલોચકોના નિશાને છે જ્યારે સિરાજ હેમસ્ટ્રિંગ ઈજાનો સામનો કરી રહ્યો છે. જે રીતે કોચ રાહુલ દ્રવિડ બીજા ટેસ્ટમાં પંતની બેટિંગથી નિરાશ થયા હતા. તેવામાં પંતની જગ્યાએ રિદ્ધિમાન સાહાને વિકેટકિપરના રૂપમાં તક મળી શકે છે. સાહાએ ન્યુઝિલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 
 સિરાજ બીજા ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેની પાસે ઈજાથી બહાર આવવા માટે ચાર દિવસનો સમય છે. દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગના બીજા દિવસે હેમસ્ટ્રિંગ ઈજાનાં કારણે સિરાજે માત્ર 15 ઓવર જ બોલિંગ કરી હતી પરંતુ લયમાં જોવા મળ્યો નહોતો. કેએલ રાહુલે કહ્યું હતું કે, સિરાજ હજી સાજો થયો નથી અને તબીબોની દેખરેખમાં છે. હવે જો સિરાજ ફીટ નહીં રહે તો ઈશાન્ત શર્મા અથવા ઉમેશ યાદવને આગામી મેચમાં જગ્યા મળી શકે છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer