પરપ્રાંતીય વાહનો પાસેથી ગેરકાયદે નાણાં વસૂલી સામે વડી અદાલતમાં જનહિતની અરજી

થાણે અને નવી મુંબઈના પોલીસ આયુક્તોને જવાબ આપવાનો આદેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : અન્ય રાજ્યમાંથી આવતાં અને નારપોલી-માણકોલી, કલવા ખારેગાંવ, મુંબ્રા ટોલનાકા અને કલ્યાણ ફાટા, કાપૂરબાવડી, માજિવડા, પનવેલ, મહાપે, કલંબોલી અને તળોજા પાસેના ફાંટા પાસે  ચા-પાણી અથવા પ્રસાધનગૃહમાં જવા માટે રોકાનારા હેવી વેહિકલ્સના ચાલકો પાસેથી ટોઈંગ અથવા સંરક્ષણ ફીના નામે ટ્રાફિક પોલીસ ગેરકાયદે વસૂલાત કરી રહી હોવાનો આક્ષેપ જનહિત અરજી દ્વારા કરવામાં આવ્યો છે. ખાસ કરીને 12થી 30 વ્હીલર હેવી વેહિકલ્સને ઘેરવામાં આવે છે. અન્ય રાજ્યનાં વાહનો હોય તો તે અટકાવીને તેમની પાસેથી પાર્કિંગ, ટોઈંગ ફી જેવાં વિવિધ કારણો હેઠળ રકમ વસૂલવામાં આવે છે. તેમને કાચી રસીદ આપવામાં આવે છે અને એના પર ટ્રાફિક વિભાગને બદલે ટ્રાફિક નિયંત્રણ વિભાગ દ્વારા એમ લખવામાં આવે છે.
હાઈ કોર્ટે આ આક્ષેપોની નોંધ લીધી છે અને થાણે તેમ જ નવી મુંબઈના પોલીસ કમિશનરને આ પ્રકરણે પ્રતિવાદી કરવાનો આદેશ આપીને ત્રણ અઠવાડિયાંમાં જવાબ નોંધાવવા જણાવ્યું છે.
મુંબઈ ટ્રાફિક પોલીસમાંનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનારા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સુનીલ ટોકેએ ઍડવોકેટ પ્રદીપ હવનૂર મારફત આ ફોજદારી જનહિત અરજી દાખલ કરી છે. આ સંદર્ભે લાંચ વિરોધી વિભાગ દ્વારા તપાસ કરાવવાની માગણી પણ અરજીમાં કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ અમજદ સૈયદ અને ન્યાયમૂર્તિ અભય આહુજાની ખંડપીઠ સમક્ષ શુક્રવારે આ અરજી સુનાવણી માટે આવી હતી. અરજીમાં કરવામાં આવેલા દાવા મુજબ રસ્તા પર વાહન ઊભું કરતાં ટોઈંગ ફીના નામે 750થી 800 રૂપિયા વસૂલ કરવામાં આવે છે. એટલું જ નહીં, આગળ અટકાવવામાં નહીં આવે, એમ કહીને આ હેવી વેહિકલ્સના ચાલકો પાસેથી સંરક્ષણ ફી વસૂલ કરવામાં આવે છે. સ્થાનિક અપરાધીઓ અને ખાનગી ટોઈંગ કંપનીઓ સાથેની સાઠગાંઠથી ટ્રાફિક પોલીસ દ્વારા આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને 2700થી 3000 બનાવટી રસીદ ફાડવામાં આવે છે. આ ભ્રષ્ટાચારને લીધે સરકારી તિજોરીને પણ મોટું નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ અરજદારે ર્ક્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer