કોરોનાગ્રસ્ત બાળકોનો સાચો આંકડો હજી બહાર નથી આવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : બાળકોમાં કોરોનાનું ટેસ્ટિંગ ખાસ થતું ન હોવાથી બાળકોમાં કોરોનાના કેસ બહુ જૂજ પ્રમાણમાં મળી રહ્યાં છે. કોરોનાની વર્તમાન ત્રીજી લહેરની વાત કરીએ તો એમાં બાળકોમાં કોરોનાનું પ્રમાણ જોવા નથી મળ્યું અથવા દેખાયું પણ નથી. 
20 ડિસેમ્બરથી છ જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં એકથી દસ વર્ષની વયજૂથના માત્ર 2620 બાળકોને કોરોનાનો ચેપ લાગેલો. આ 18 દિવસના ગાળામાં મહારાષ્ટ્રમાં કોરોનાના 14 લાખ નવા કેસો નોંધાયા હતા અને આમાં નાના બાળકોનું પ્રમાણ માત્ર બે ટકા હતું.  11થી 20 વર્ષના વયજૂથમાં 8935ને કોરોનાનો ચેપ લાગ્યો હતો. 
અત્યારે કોરોનાનો જે પ્રકોપ છે એ જોતા બાળકોના ઉક્ત આંકડા બરાબર લાગતા નથી. અત્યારે ડૉક્ટરો પણ બાળકોની આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં કે અૉનલાઈન ટ્રીટમેન્ટ કરી રહ્યાં છે. બાળતજજ્ઞ ડૉક્ટરોનું કહેવું છે કે નાના બાળકોમાં અમને કોરોનાના ગંભીર લક્ષણો દેખાય તો જ અમે ટેસ્ટ કરવાની સલાહ તેમના મા-બાપને આપતા હોઈએ છીએ. 
નાના બાળકો વિશેના ટાસ્કફોર્સના મેમ્બર ડૉ. બકુલ પારેખ કહે છે કે તાવ, ઉધરસ અને શરદી હોય એવા અસંખ્ય બાળકો અત્યારે મારી ઘાટકોપર ક્લિનિકમાં સારવાર માટે આવી રહ્યા છે. 20 ડિસેમ્બરે ત્રીજી લહેરની શરૂઆત થઈ એ પછી છેલ્લા દસેક દિવસથી રોજ 60 જેટલાં બાળકો મારી પાસે સારવાર માટે આવી રહ્યાં છે. આમાંથી 80 ટકા બાળકોના ટેસ્ટ રિઝલ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. માતા-પિતા કે પરિવારમાં કોઈને કોરોના થયો હોય તો હું બાળકોની ટેસ્ટ કરાવતો નથી. કારણથી એનાથી પરિવારમાં ખોટો ગભરાટ ફેલાય છે. 
કોકિલાબેન હૉસ્પિટલમાં નાના બાળકોમાં લાગતા ચેપ વિશેના એક્સપર્ટ ડૉ. તનુ સિંઘલ છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના લક્ષણો હોય એવા અસંખ્ય બાળકોને સારવાર આપી રહ્યાં છે. બાળકના ઘરમાં કોઈ મોટાને ચેપ લાગ્યો હોય તો ડૉ. તનુ સિંઘલ પણ બાળકોની ટેસ્ટ કરાવવાની ભલામણ કરતાં નથી. જો ઘરમાં કોઈ મોટાને કોરોના ન થયો હોય તો તે બાળકની એન્ટિજન ટેસ્ટની ભલામણ કરે છે. 
બાળરોગના તજજ્ઞ ડૉ. બિજલ શ્રીવાસ્તવ કહે છે છેલ્લા 15 દિવસમાં મેં 200થી બાળકોની સારવાર કરી છે અને એમાંથી મેં કોઈને હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી નથી. બાળકોમાં ભારે તાવ હોય કે પછી તેને શ્વાસ લેવામાં તકલીફ પડે તો હું મા-બાપને સાવચેત થવાનું કહું છું. 
કોરોનાનો પ્રારંભ થયો છે ત્યારથી રાજ્યમાંથી 66.7 લાખ કેસો મળ્યા છે અને એમાં એકથી દસ વર્ષના આયુના બાળકોની સંખ્યા 3.19 ટકા અને 11-20 વર્ષના આયુના બાળકોની સંખ્યા 7.5 ટકા રહી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer