મુંબઈગરા માટે ટૂંકસમયમાં ભાડેથી બાઈક લઈ કામ ઉપર જવાની રેન્ટ અ બાઈક સુવિધા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 8 : મુંબઈમાં ટ્રાફિકજામની સમસ્યામાંથી પ્રવાસીઓને છૂટકારો આપવા માટે મુંબઈગરાંને પ્રવાસ માટે નવા વિકલ્પ તરીકે રેન્ટ અ બાઇક સુવિધા મળવાની છે. ખાનગી કંપનીએ આ મામલે પરિવહન વિભાગને પ્રસ્તાવ મોકલ્યો છે, જેના ઉપર રાજ્ય પરિવહન વિભાગ આગામી બેઠકમાં નિર્ણય લેશે. 
શહેરમાં ચાલી રહેલા મેટ્રોના કામને પગલે રસ્તાઓ સાંકડા થવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાવાથી મુંબઈગરાંનો મોટાભાગનો સમય ટ્રાફિક જામમાં જ પસાર થતો હોય છે. જેનો વધારાનો ભાર ખિસ્સા ઉપર પણ પડે છે. ટ્રાફિકજામની સમસ્યાના છૂટકારા માટે મુંબઈમાં નામાંકિત ખાનગી કંપનીએ રેન્ટ અ બાઇકની સુવિધા શરૂ કરવા માટે પરિવહન વિભાગમાં પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ ઉપર આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે, એમ મહારાષ્ટ્રના પરિવહન કમિશનર ડૉ.અવિનાશ ઢાકણેએ જણાવ્યું હતું. 
સૂત્રો અનુસાર રેન્ટ અ બાઇક એપ બેઝ સેવા હશે. જેમાં રેલવે સ્ટેશનથી અૉફિસ સુધી પ્રવાસ કરી શકાશે. એક દિવસ, આઠ દિવસ અને મહિના સુધી ટુ વ્હીલર હેલમેટ સાથે આપવામાં આવશે. જેની પાસે ટુ વ્હીલરનો પરવાનો હશે તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. બાઇક ટૅકસી અને રેન્ટ અ બાઇક બંને અલગ અલગ બાબત છે. બંને મુદ્દા ઉપર પ્રવાસીની સુરક્ષિતતાને ધ્યાનમાં રાખીને બેઠકમાં ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે એવી સ્પષ્ટતા પરિવહન વિભાગે કરી હતી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer