કોરોના : 1.41 લાખ નવા સંક્રમિતો, 285નાં મૃત્યુ

ઓમિક્રોનના 3071 દર્દી, ઍક્ટિવ દર્દીઓમાં એક લાખનો ઉછાળો
નવી દિલ્હી, તા. 8 : ત્રીજી લહેરના પ્રારંભિક ગાળામાં શનિવારે સળંગ ત્રીજા દિવસે ભારતમાં એક લાખથી વધુ નવા સંક્રમિતો સામે આવ્યા હતા. સારવાર લેતા સંક્રમિતોની સંખ્યા ત્રીજી લહેરમાં આજે પહેલીવાર એક લાખથી વધુ આવતાં આજની તારીખે સારવાર હેઠળ છે, તેવા દર્દીઓનો કુલ્લ આંક સાડાચાર લાખને આંબી ગયો છે. બીજી તરફ ઓમિક્રોનના આજે આખા દેશમાં માત્ર 64 નવા દર્દી ઉમેરાયા હતા.
મહારાષ્ટ્રમાં  શનિવારે 40,925 નવા દર્દી સામે આવ્યા હતા, તો પશ્ચિમ બંગાળમાં ડેલ્ટાના નવા 18,213 અને દિલ્હીમાં નવા 17,335 સંક્રમિત ઉમેરાયા હતા.
દેશમાં શનિવારે 1,41,986 નવા દર્દી સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 3.53 કરોડને આંબી 3,53,68,372 થઇ ગઇ છે.
ડેલ્ટાના ડંખથી 24 કલાક દરમ્યાન 285 દર્દીની જીવનરેખા ટૂંકાતા કુલ્લ 4,83,463 દર્દીના મોત થઇ ચૂક્યા છે.
દરમ્યાન નવા વેરિયેન્ટના કુલ્લ 3071 દર્દીમાંથી 1203 દર્દી સાજા થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં  સૌથી  વધુ 876, દિલ્હીમાં  513, કર્ણાટકમાં 333 દર્દી છે.
આજે એક જ દિવસમાં એક લાખથી વધુ 1,00,806 કેસના જંગી ઉછાળા બાદ સારવાર લેતા દર્દીઓની સંખ્યા 4,72,169 પર પહોંચી ગઇ છે. સક્રિય કેસોનું પ્રમાણ વધીને 1.34 ટકા થઇ ગયું છે. બીજી તરફ 24 કલાક દરમ્યાન 41 હજાર જેટલા દર્દી ઘાતક સંક્રમણ સામે જંગ જીતી જતાં કુલ્લ 3,44,12,740 દર્દી સાજા થઇ ચૂક્યા છે.
સાજા થતા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ ઘટીને 97.30 ટકા થઇ ગયો છે. સંક્રમણનો દૈનિક દર મોટા ઉછાળા સાથે 9.28 ટકા થઇ ગયો છે.
સતત વધી રહેલા  સંક્રમણ વચ્ચે દેશમાં અત્યાર સુધી 150.06 ડોઝ સાથે લોકોને રસીનું સુરક્ષા કવચ મળી ચૂક્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer