મુંબઈમાં રસી નહીં લેનારા મોટાભાગના દર્દીઓ અૉક્સિજન સપોર્ટ પર

વૅક્સિન વગરનાઓ પર ઓમિક્રોનની ઘાત
નવી દિલ્હી, તા.8: કોરોના ઓમિક્રોનને અત્યાર સુધી હળવો માનવામાં આવતો હતો. ગત વર્ષ હાહાકાર મચાવનાર ડેલ્ટાની તુલનાએ તે ઓછો જીવલેણ અને ઓછી ઉપાધી સર્જતો હોવાના અહેવાલ હતા પરંતુ જો કોઈએ વેક્સિન નથી લીધી તો તેના માટે ઓમિક્રોન ઘાતક નિવડી શકે છે. મુંબઈમાં સામે આવી રહેલા આંકડા આવું દર્શાવે છે.
મુંબઈમાં કોરોના સંક્રમિત જે લોકોને ઓક્સિજન સપોર્ટ પર રાખવા પડયા છે તેમાં મોટાભાગનાએ વેક્સિન લીધી ન હતી, તેમ મુંબઈ મહાનગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું. 6 જાન્યુઆરી સુધીના આંકને ટાંકી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ ચહલે કહ્યં કે ઓક્સિજન બેડ પર સારવાર હેઠળ રહેલા 1900 દર્દીમાં 96 ટકા એવા છે જેમણે રસી લીધી નથી અને માત્ર 4 ટકાએ લીધી છે.
શહેરમાં ખાનગી હોસ્પિટલોના કોઓર્ડિનેટર અને બોમ્બે હોસ્પિટલના ડો.ગૌતમ ભણસાલીએ કહ્યંy કે હોસ્પિટલમાં સારવાર માટે આવી રહેલા દર્દીઓમાં રસી લીધેલા અને નહીં લીધેલા બન્ને પ્રકારના દર્દીઓ સામે આવી રહ્યા છે પરંતુ ઓક્સિજન બેડ પર મોટાભાગે એવા દર્દીઓ છે જેમણે કોરોનાની વેક્સિન લીધી નથી. આવા દર્દીઓની ઉંમર 40થી પ0ની વચ્ચે અથવા તેથી વધુ છે. આ બાબત દર્શાવે છે કે દરેક નાગરિક માટે વેક્સિન કેટલી જરૂરી છે.  કોવિડ ટાસ્ક ફોર્સના સદસ્ય ડો.એમ.શ્રીવાસ્તવ અનુસાર કોરોનાના કેસોમાં ઉછાળ આવ્યા બાદ ઘણા લોકો વેક્સિન લેવા દોડયા છે. ઓમિક્રોન શરીર પર રેસ્પિરેટરી એરિયાને અસર કરી રહ્યો છે અને તેનાથી સંક્રમિત દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી નથી. હજુ એ બાબત ઉંડાણથી અભ્યાસ કરાયો નથી કે રસી લીધા વગરના દર્દીઓને રસી લીધાવાળા દર્દીઓની તુલનાએ ઓક્સિજન સપોર્ટની વધુ જરૂર પડે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer