ખેડૂતોની ટ્રેક્ટર રૅલી સ્થગિત; ચાર ડિસેમ્બરે આંદોલન સંબંધી નિર્ણય

ખેડૂતોની ટ્રેક્ટર રૅલી સ્થગિત; ચાર ડિસેમ્બરે આંદોલન સંબંધી નિર્ણય
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 27 : સંસદના શરૂ થઈ રહેલા શિયાળુ સત્રના આરંભે જ કિસાનો દ્વારા યોજાનારી સંસદ સુધીની ટ્રેક્ટર કૂચને સ્થગિત કરવામાં આવી છે. આજે સંયુક્ત કિસાન મોરચાની યોજાયેલી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે, સરકારે 29 નવેમ્બરે સંસદમાં બિલ લાવીને ત્રણે કૃષિ કાયદા પરત લેવાની ખાતરી આપી હોવાથી અમે 29 નવેમ્બરની સૂચિત ટ્રેક્ટર કૂચને સ્થગિત કરી છે.
એસકેએમના નેતાઓએ કહ્યું કે, સરકારે કિસાનો સાથે વાતચીતની મેજ પર આવવું જ પડશે. એમએસપી વિના કિસાનો પરત જશે નહીં. આ નેતાઓએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, કિસાનો પર દર્જ કરવામાં આવેલા કેસો પરત લેવામાં આવે, શહીદ કિસાનોની સ્મૃતિમાં શહીદ સ્મારક માટે જગ્યા આપવા સહિત અન્ય મુદ્દાઓ પર સરકાર વાત કરે.
કિસાન નેતા દર્શનપાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમે આગામી 4 ડિસેમ્બરના વધુ એક બેઠક કરીશું. સરકારે અમને વચન આપ્યું છે કે, 29 નવેમ્બરના સંસદમાં કૃષિકાયદા રદ થશે. અમે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો જેમાં અમે અનેક માંગ કરી હતી.
કિસાન નેતાઓએ એમ પણ કહ્યું કે, માત્ર આકાશવાણીથી કામ ચાલશે નહીં. સરકારે વાતચીતની ટેબલે આવવું જ પડશે.
સંયુક્ત કિસાન મોરચાની બેઠક હવે ચાર ડિસેમ્બરે મળશે અને એમાં નક્કી કરાશે કે આંદોલન આગળ ચલાવવું કે સમેટી લેવું, એમ ખેડૂત નેતાઓએ કહ્યું હતું.
કૃષિ કાયદા પરત ઉપરાંત પરાળ બાળવી ગુનો નહી
હવે આંદોલનનું ઔચિત્ય નથી : કૃષિપ્રધાન
એક વરસ કરતાં વધુ સમયથી આંદોલન કરી રહેલા કિસાનો સામે વધુ એકવાર કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું કે, પરાળ સળગાવવું અપરાધની શ્રેણીમાં નથી આવતું.
આ કિસાન સંગઠનોની મોટી માંગોમાંની એક હતી અને પરાળને અપરાધ નહીં ગણીને સરકારે આ માંગ માની લીધી છે, તેવું કેન્દ્ર સરકાર વતી કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું. હકીકતમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 10મી ડિસેમ્બર, 2015ના દિવસે પાકના અવશેષો સળગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરાળ સળગાવવા પર કાયદેસર કાર્યવાહી પણ કરાતી હતી. કૃષિપ્રધાન તોમરે કિસાન સંગઠનોને આંદોલન ખતમ કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે, કૃષિ કાયદા પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. હવે કિસાનો  આંદોલન જારી રાખે તેમાં કોઇ ઔચિત્ય દેખાતું નથી. કિસાનો મોટા મનનો પરિચય આપે અને વડાપ્રધાનના એલાનનો આદર કરી પોતપોતાના ઘરે પાછા જાય તેવી અપીલ તેમણે કરી હતી. તોમરે જણાવ્યું હતું કે, સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે 29મી નવેમ્બરે જ ત્રણેય કૃષિ કાયદા પાછળ ખેંચવાના વિધેયકને યાદીમાં સામેલ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એલાન બાદ કેન્દ્રીય પ્રધાન મંડળ તરફથી પણ કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઇ હતી. કૃષિપ્રધાને આંદોલન સમેટવાના અનુરોધ સાથે જણાવ્યું હતું કે, સરકારે કિસાનોના પ્રશ્નોના ઉકેલ માટે એક ખાસ સમિતિની રચના પણ કરી છે. આ સમિતિની રચના સાથે જ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) સંબંધિત કિસાનોની માંગ પણ પૂરી થઇ ગઇ છે. એમએસપીમાં પારદર્શકતા, ઝીરો બજેટ ખેતી અને પાક વૈવિધ્ય અંગે એક સમિતિ રચવાની ઘોષણા કરાઇ છે, જેમાં કિસાન પ્રતિનિધિઓને પણ સામેલ કરાશે તેવું તોમરે જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer