ઓમિક્રોન સંક્રમણ સામે સાવધાની જરૂરી : મોદી

ઓમિક્રોન સંક્રમણ સામે સાવધાની જરૂરી : મોદી
આંતરરાષ્ટ્રીય વિમાનોના નિર્ણયની ફેર સમીક્ષા
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 27 : કોરોનાના નવા સ્વરૂપ અૉમિક્રોન સંબંધે સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નવા વેરિયન્ટ સામે સાવધ રહેવા અને દેશમાં આ નવા સ્વરૂપના કોરોનાનો વેરિયન્ટ ન ઘૂસે એ માટે વિદેશી પ્રવાસીઓના કડક ક્રિનિંગ કરવા સહિતની સાવધાનીઓના આદેશ આપ્યા હતા.
વડા પ્રધાને આજે દેશમાં કોરોના સંક્રમણ અને રસીકરણ સંબંધી સમીક્ષા માટેની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં તાજેતરમાં આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિયન્ટ અૉમિક્રોન સંબંધી પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. વડા પ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલી અખબારી યાદી પ્રમાણે આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિકારીઓએ અૉમિક્રોન, તેની વિગતો તેમ જ કેટલા દેશોમાં આ સંક્રમણ જોવા મળ્યું છે તેની સઘળી વિગતો આપી હતી. ચર્ચા બાદ વડા પ્રધાને બેઠકમાં જણાવ્યું હતું કે નવા વાયરસ સામે આપણે સાવધ રહેવાનું છે અને દેશમાં આ નવા સ્વરૂપનો કોરોના ન ફેલાય એ માટે ઍકશન પ્લાન તૈયાર કરવો છે. દેશમાં ઉતરાણ કરતા તમામ આંતરરાષ્ટ્રીય વિમાનોના પ્રવાસીઓના કડક ક્રિનિંગ કરવા તેમ જ તેમને જો કોરોનાનાં લક્ષણો જણાય તો તત્કાળ કવૉરન્ટાઈન કરવાની સૂચનાઓ જારી કરાઈ હતી.
વડા પ્રધાન કાર્યાલયની યાદી પ્રમાણે વડા પ્રધાને બેઠકમાં હાજર અધિકારીઓને જણાવ્યું હતું કે કોરોનાના આ નવા સ્વરૂપ સામે આપણે સાવધ રહેવું પડશે અને વિદેશી પ્રવાસીઓની અવર-જવરવાળા ઍરપોર્ટ સહિતનાં સ્થળોએ માસ્ક પહેરવા અને એકબીજાથી અંતર જાળવી રાખવા જેવા નિયમોનું પાલન કરવું પડશે.  આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કૅબિનેટ સચિવ રાજીવ ગોબા, નીતિ આયોગની આરોગ્ય સમિતિના વી. કે. પોલ, ગૃહ સચિવ એ. કે. ભલ્લા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer