કોરોનાના નવાં સ્વરૂપથી એલર્ટ : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આરટી-પીસીઆર જરૂરી

કોરોનાના નવાં સ્વરૂપથી એલર્ટ : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આરટી-પીસીઆર જરૂરી
નવી દિલ્હી, તા. 27 : કોરોના વાયરસના નવા વેરિયેન્ટે દુનિયાભરમાં દેશોની ચિંતામાં વધારો કર્યો છે. ઘણા દેશોએ તો વેરિયેન્ટથી પ્રભાવિત દેશોની ફ્લાઇટ ઉપર રોક લાદી દીધી છે તો અમુક દેશોએ એન્ટ્રી કરતા યાત્રીઓ માટે ક્વોરન્ટીનનો નિયમો અનિવાર્ય કરી દીધો છે. હવે ભારતમાં પણ કોરોનાના નવા વેરિયેન્ટથી બચાવ માટે સરકારને આકરાં પગલાં લેવાની માગણી કરવામાં આવી રહી છે. 
બીજી તરફ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે દક્ષિણ આફ્રિકાથી આવતા યાત્રીઓને ક્વોરન્ટીન કરવાની શરૂઆત કરી છે. તો ગુજરાત સરકાર દ્વારા દક્ષિણ આફ્રિકા સહિતના અમુક દેશોથી આવતા લોકો માટે એરપોર્ટ ઉપર આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ માગણી કરી છે કે નવા વેરિયેન્ટથી પ્રભાવિત દેશોથી આવતી ફ્લાઇટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. જે દેશો પ્રભાવિત છે તે દેશોની યાત્રા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના શરૂઆતી કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. 
બીજી તરફ આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું છે કે ઓલપાર્ટી મિટિંગમાં નવા કોરોના વેરિયેન્ટથી બચાવના સૂચનો કેન્દ્ર સરકાર સામે રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ દિશાનિર્દેશો જારી કરવાની જરૂર છે. તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer