ફરિયાદ નિવારણ દિનનો સક્સેસ રેશિયો 90 ટકા

ફરિયાદ નિવારણ દિનનો સક્સેસ રેશિયો 90 ટકા
કેવલ ત્રિવેદી તરફથી 
મુંબઈ, તા. 27 : નાગરિકો પોલીસ ફરિયાદ કરે એ પછી તેમના કેસમાં પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરતા હોય છે. જોકે, ફરિયાદનું નિવારણ લાવવા માટે મુંબઈ પોલીસ દ્વારા દર શનિવારે સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી `તક્રાર નિવારણ દિન' અંતર્ગત સંબંધિત પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અને પોલીસ નિરીક્ષકો આવેલી ફરિયાદ સંબંધે બંને પક્ષ સાથે સીધી વાતચીત કરીને ફરિયાદનું નિવારણ કરતા હોય છે.  
ગોરેગામ પોલીસ સ્ટેશનમાં પણ આવી રીતે દર શનિવારે બપોર સુધી આવેલી ફરિયાદમાં બંને પક્ષોને સામસામે બોલાવીને ફરિયાદનું નિવારણ કરવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે, મિત્ર, કુટુંબ, પાડોશી સાથેના ઝઘડા વગેરેની ફરિયાદ વધુ આવતી હોય છે. તેથી બંને પક્ષની સાથે વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સહિત પોલીસ નિરીક્ષકો વાતચીત કરીને મતભેદોનો ઉકેલ લાવે છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવતી આ પહેલમાં ફરિયાદ નિવારણ દિનનો સક્સેસ રેશિયો 90 ટકા છે એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું. 
આ બાબતે તૃપ્તિ મહેતાએ જન્મભૂમિને જણાવ્યું કે સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં જઈએ એટલે એક પ્રકારની ચિંતા હોય છે કે સમસ્યાનું નિવારણ કેટલા સમયમાં થશે, પરંતુ શનિવારે ફરિયાદ નિવારણ દિન અંતર્ગત મહિલા પોલીસકર્મીનો ઉત્તમ ટેકો મળ્યો હતો અને તેમણે અમને યોગ્ય માગદર્શન આપ્યું હતું. પ્રીતિ ગોરડિયાએ પણ `જન્મભૂમિ'ને જણાવ્યું કે, વરિષ્ઠ પોલીસ અધિક્ષકે અમારી સંપૂર્ણ બાબત સાંભળી અને અમારી પરિસ્થિતિને સમજ્યા બાદ અમને કાયદેસરનું માર્ગદર્શન આપ્યું હતું. ઈશિત મહેતાએ કહ્યું કે લોકો પોલીસ સ્ટેશનમાં જતાં હંમેશાં અચકાતા હોય છે, પરંતુ મુંબઈ પોલીસ દ્વારા ચાલતી આ પહેલ ઉત્તમ છે.   

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer