વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું બદલાશે સ્વરૂપ

વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું બદલાશે સ્વરૂપ
આવનારા ડેલિગેટ્સે કોરોના નિયમ પાળવા ફરજિયાત
અમદાવાદ, તા.27 : દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટનો કહેર શરૂ થતાં જ ગુજરાતમાં જાન્યુઆરીમા યોજાનારી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પર ગ્રહણ લાગવાનો ખતરો ઊભો થયો છે. ગુજરાત સરકારે આફ્રિકન દેશોને પહેલેથી જ આમંત્રણ પાઠવી દીધું છે ત્યારે ગુજરાત સરકાર આ મામલે ચિંતિત બની ગઈ છે અને આગામી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાઈબ્રન્ટ સમિટમાં આવનારા ડેલિગેટ્સ સહિતના સ્ટાફ માટે એરપોર્ટ પર જ ટેસ્ટિંગ સહિતના પ્રોટોકોલ અને તકેદારીનો ચુસ્ત અમલ કરવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ રદ કરવા માંગ કરી છે.  ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2019માં યોજાવાની હતી, પરંતુ એ સમયે કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, હવે એ સમિટ આગામી 10 જાન્યુઆરી,2022ના રોજ યોજવાની ગુજરાત સરકારે જાહેરાત કરીને તૈયારીઓ પણ પુરજોશમાં શરૂ કરી દીધી છે એટલું જ નહીં, વાઇબ્રન્ટ સમિટમાં 15 જેટલા કન્ટ્રી પાર્ટનર પણ બન્યા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોના ઉદ્યોગકારો અને આગેવાનોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અને આ દેશોના પ્રતિનિધિ અને મૂડીરોકાણકારોએ પણ વાઇબ્રન્ટમાં આવવાની તત્પરતા પણ બતાવી છે. અમેરિકા ઉપરાંત જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, આબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં વિવિધ વિભાગના સચિવો રોડ શો માટે જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.8 અને 9મી ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer